જગતનો તાત ખેડૂત પોતાની મહેનત તેની ખેતીની ઉપજમાં રેડી દેતો હોય છે. તેના પર જ તેનું જીવન ગુજરાન ચાલતું હોય છે. પરંતુ જ્યારે તેની મહેનત પર પાણી ફળી વળે ત્યારે તેની સ્થિતી દયનીય બની જાય છે. આવું જ હાજરપુરના ગામજનો સાથે થયું છે. નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી પાણી છોડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા.
નર્મદામાં ખેડૂતોની મહેનત 'પાણીમાં', તંત્રની બેજવાબદારીથી ખેડૂતોમાં રોષ - etv bharat news
નર્મદા: જિલ્લામાં ઘણાં સમયથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમમાંથી 91 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એક જ દિવસમાં વધુ પ્રમાણમાં પાણી છોડતા નીચાણવાળા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા. નાંદોદના હજરપુરા ગામે 300 એકર જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
ખેડૂતો દ્વારા અવારનવાર રજુઆત પણ કરવામાં આવે છે કે, પાણીનો સંગ્રહ વધુ પ્રમાણમાં ન કરો. પાણીને સમયાંતરે છોડતા રહો જેથી નીચાણવાળા ખેતરોમાં પાણી ન ફરી વળે. કરજણ ડેમના સત્તાધીશો સમક્ષ ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી કે, ખેતરોના રક્ષણ માટે ઉંચી પ્રોટેકશન દિવાલ બનાવામાં આવે. જેથી લાખોનું નુકશાન ન થાય.
હાલ થયેલા નુકશાનનું વળતર સરકાર આપે તે જરુરી બન્યું છે. કારણ કે ખેડૂતોની આખી સીઝનની કમાણીનું ધોવાણ થઇ ગયું છે. 10થી 12 ફુટ ઉંચી કેળ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. ખેતરોમાં પાણી હજુ ઓસર્યા નથી. મોંધા બિયારણોનું પણ ધોવાણ થઇ ગયું છે. આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કરજણ ડેમના સત્તાધીશો શું ભરપાઇ કરશે ખેડૂતની મહેનતનું વળતર?