નર્મદા: જિલ્લાના સમારીયા ગામના રામભક્ત ખેડૂત ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ ગોહિલે પોતાના ખેતરમાં ગલગોટા ફૂલની ખેતી કરી જય શ્રી રામ લખ્યું છે. આ સાથે સાથે એ જ રીતે શ્રી રામનું ધનુષબાણ પણ બનાવ્યું છે. જ્યારથી રામ મંદિરનો ચુકાદો આવ્યો અને મંદિર બનવાની વાત આવી ત્યારથી ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ ગોહિલે ખેતરમાં ગલગોટાથી શ્રી રામ લખવાનું વિચાર્યું હતું. બે મહિના પહેલા નવા વાવેતરમાં વાવેલા ગલગોટાના છોડમાં એકદમ સ્પષ્ટ રીતે "જય શ્રી રામ" ઉપસી આવ્યું છે. 5 મી ઓગષ્ટના દિવસે આયોધ્યામાં રામ મંદિરનું ખાતમુહુર્ત છે તો બીજી બાજુ રામ ભક્ત ખેડૂતનો ઉત્સાહ પણ એટલો જ વધી રહ્યો છે.
નર્મદાના ખેડૂતની અનોખી રામ ભક્તિ, ગલગોટાની ખેતી દ્વારા લખ્યું "જય શ્રી રામ" - Unique Ram Bhakti
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઓગષ્ટ એટલે કે આજરોજ બુધવારે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરી શિલાન્યાસ કરવાના છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની 5 ઓગસ્ટથી શરુઆતને લઇ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય યાદગાર બની રહે તે માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપૂત સમાજના રામ ભક્ત ખેડૂતે અનોખી રીતે પોતાની રામ ભક્તિના દર્શન કરાવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આજથી 2 વર્ષ અગાઉ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કર્યુ ત્યારે પણ તેમણે પોતાના ખેતરમાં ગલગોટાથી "મોદી" લખ્યું હતું, જે ઘણા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ તકે ખેડૂતે જણાવ્યું હતું કે એક દિવસ મારા ખેતરના ફૂલ અયોધ્યા મંદિરમાં શોભા બને ભગવાનના ચરણમાં ચઢે તેવી મારી ઈચ્છા છે. રામ મંદિરના નિર્માણ કાર્યની સાથે નર્મદા જિલ્લાના ખેડૂતની ખેતી સાથે રામ ભક્તિ લોકો માટે યાદગાર બની રહેશે.
આ બાબતે ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે અમારા અઢી એકરના ખેતરમાં 200 x 40ના પ્લોટમાં જય શ્રી રામ લખ્યું છે અને 100 x 40ના પ્લોટમાં શ્રી રામ ભગવાનનું ધનુષબાણ બનાવ્યું છે. હાલ તો ગલગોટાના રોપા નાના છે. પણ 40-50 દિવસ બાદ જયારે ફૂલ લાગશે ત્યારે પીળા અને લાલ ગલગોટાથી સરસ દેખાશે, ગલગોટાના ફૂલ અયોધ્યા જાય અને શ્રી રામ ભગવાનના ચરણમાં ચઢે કે મંદિરના સુશોભનમાં કામ આવે એવી ઈચ્છા છે.