જિલ્લામાં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ થવાના કારણે નદી અને નાળા સાથે નર્મદા અને કરજણ બંધ પણ છલકાઈ ગયા હતા. જેની સીધી અસર રાજપીપળામાં આવેલી કરજણ નદીના તટ વિસ્તારને થઈ હતી. આ વિસ્તારમાં ધોવાણ થવાને કારણે રાજપીપળાનો પ્રવેશ દ્વાર ગણાતા તલકેશ્વર મંદિરથી રાજપીપળા તરફ જતો રસ્તો ધોવાઈ ગયો હતો.
રાજપીપળા તંત્રને લાંછનઃ રોડ ધોવાઈ જતાં સ્થાનિકોએ જાતે જ કર્યુ સમારકામ
નર્મદાઃ રાજપીપળાનો રીંગ રોડ વરસાદમાં ધોવાઈ બિસ્માર બની ગયો છે. આ બાબતે તંત્રને વારંવાર રજુઆત કરવા છતા પણ આ રસ્તાનું સમારકામ ન કરતા કંટાળીને સ્થાનિકોએ સ્વ ખર્ચે રસ્તાનું સમારકામ કરવાનું શરૂ કર્યું છે.
રાજપીપળાના કુંભારવાડા, કાછીયાવાડ અને સ્મશાન ભૂમિ, કરજણ બ્રિજ નીચેથી જતો રોડ રીંગ રોડ તરીકે પ્રખ્યાત છે. અહીંથી જ ખેડૂતો તેમના ખેતરે જાય છે. રાજપીપળાના ઈંટો ભઠ્ઠાના માલીકો માર્ગ પરિવહન માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલ આ રસ્તો બંધ હોવાથી લોકોનું કામ અટકી પડ્યું છે. આ બાબતે તંત્રને વારંવાર રજુઆત કરવા છતા પણ આ રસ્તાનું સમારકામ કરાયું ન હતું.
શનિવારે તંત્રની આડોડાઈથી કંટાળી આખરે સ્થાનિકોએ જાત મહેનત જિંદાબાદ સમજી સ્વખર્ચે જેસીબી બોલાવી આ રસ્તાનું સમારકામ કરવાનું શરૂ કર્યું હતું. તંત્ર આ રસ્તાનું કામ આગળ વધારે તેમજ પ્રોટેક્શન વોલ બનાવી આ રસ્તાને પાકો બનાવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.