- રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહે કર્યો ખુલાસો
- પ્રિન્સ ભાજપમાં જોડાયા નથી
- વડોદરા BJP કાર્યાલયમાં કિન્નરોના પ્રશ્નોની કરી રજૂઆત
રાજપીપળા પ્રિન્સ માનવેન્દ્રસિંહે કર્યો ખુલાસો
નર્મદાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોએ ઉમેદવારોની પસંદગીથી લઇને જીત માટે એડી-ચોટીનું જોર શરૂ કર્યું છે, ત્યારે રાજપીપળાના પ્રિન્સના ભાજપમાં જોડાયાની અફવા ફેલાઈ છે. જે અંગે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તે ભાજપમાં જોડાયા નથી.
લોકોએ અર્થઘટન ખોટું કર્યું હતું
વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.વિજય શાહે તમામ ટ્રાન્સજેન્ડરોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને ભાજપમાં આવકાર્યા હતા, પરંતુ આજે રવિવારે સમલૈંગિક પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સાથેની વાત કરતા સ્પષ્ટતા કરી છે કે, તે ભાજપમાં જોડાયા નથી. એમણે એ પણ સ્વીકાર્યું કે, તેમને વડોદરા BJP કાર્યાલયમાં કિન્નરોના કેટલાક પ્રશ્નો હતા. જેની રજૂઆત કરવા તે ગયા હતા અને ત્યાં તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો, પરંતુ એનો મતલબ એ નથી થતો કે, તે ભાજપમાં જોડાયા છે. લોકોએ આ અંગે અર્થઘટન ખોટું કર્યું છે.
કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાઈ
તેમણે વધુમાં જણાવ્યું કે, તે BJPને જરૂર સપોર્ટ કરશે, પરંતુ કોઈ રાજકીય પક્ષમાં જોડાશે નહીં. વડોદરાનું એક મોટું ટ્રાન્સજેન્ડરોનું જૂથ ભાજપમાં જોડાયું છે. ભાજપ સરકારના રાજમાં જ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચે 2 પુખ્તની વચ્ચે સહમતીથી બનેલા સમલૈંગિક સંબંધને ગુનો માનતી કલમ 377ને ખતમ કરી દીધી હતી. આ સાથે જ ભાજપના રાજમાં વર્ષ 2014માં ટ્રાન્સજેન્ડરોને એમના હકો મળ્યા હતા. જે માટે અનેક ટ્રાન્સજેન્ડરો સાથે તેમણે માત્ર રજૂઆત કરી હતી.