નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેનસિંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. 30 મેના રોજ ગુજરાત કોંગ્રેસના 10 આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના આદિવાસી હોદ્દેદારોને 6 ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો. એ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ ઘટનાનો રાજ્યમાં પડઘો પડ્યો હતો.
બીજી બાજુ આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે સાથે જિલ્લાની તમામ બોર્ડર સીલ કરી તમામ આવતા જતા લોકોને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટના બાદ પણ કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી. જેને પગલે 31 મેંના રોજ નર્મદા જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલિસ કાફલો ખડકી દેવાયો હતો. જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલિસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.