કેવડીયા : વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ ગુજરાતના એકતા નગરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' સમારોહમાં ભાગ લીધો છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે, પીએમ મોદીએ ગુજરાતના એકતા નગરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર લોકોને શપથ લેવડાવ્યા હતા.
મન ઘણા છે, પણ માલા એક છે; શરીર ઘણા છે, પણ મન એક છે. જે રીતે 15મી ઓગસ્ટ આપણી આઝાદીની ઉજવણીનો દિવસ છે, 26મી જાન્યુઆરી આપણા પ્રજાસત્તાકની ઉજવણીનો દિવસ છે, તેવી જ રીતે 31મી ઓક્ટોબર દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદના સંચારનો તહેવાર બની ગયો છે. 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર કાર્યક્રમ, 26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્યપથ પર પરેડ અને 31મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાજરીમાં મા નર્મદા કિનારે રાષ્ટ્રીય એકતા દિવસનો મુખ્ય કાર્યક્રમ છે. 31મી ઓક્ટોબરનો આ દિવસ દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદના સંચારનો ઉત્સવ બની ગયો છે. અમૃતકાળમાં ભારતે ગુલામીની માનસિકતા છોડીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. - વડાપ્રધાન મોદી
ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો : આ પ્રતિમાના નિર્માણમાં ભારતનો એક સંદેશ રહેલો છે. ભારતના ખેડૂતોએ મૂર્તીના નિર્માણ માટે ઓજારો આપ્યા હતા. આ મોટી પ્રેરણા કહી શકાય છે. આ પ્રેરણાથી પ્રેરાઈને કરોડો લોકો અહી આવે છે. સરદાર સાહેબના આદર્શથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ છે. આવનારા 25 વર્ષ તે સૌથી મહત્વપૂર્ણ છે. ભારતને સમૃદ્ધ બનાવવાનું છે. ભારતને વિકસિત બનાવવાનું છે. આપણને ગર્વ છે કે ભારત ચંદ્ર પર પહોંચ્યું છે. દેશ-દુનિયામાં તિરંગાની શાન વધી રહી છે. ઓલિંપિકમાં મેડલની સદી જોવા મળી છે. ભારતે ગુલામીની માનસિકતાને ત્યાગીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે.
કેવડિયાના વિકાસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે : આજે એવું કોઈ લક્ષ્ય નથી કે ભારત મેળવી ન શકે. ભારતવાસી મેળવી ન શકે તેવો કોઈ સંકલ્પ નથી. દરેકનો પ્રયાસ હોય તો અસંભવ કાંઈ હોતું નથી. કોણે વિચાર્યું હતું કે ક્યારેય કાશ્મીર કલમ 370થી મુક્ત થઈ શકશે. પણ આજે કાશ્મીર અને દેશ વચ્ચેની 370 કલમની હટાવી દેવાઇ છે. સરદાર સાહેબનો આત્મા હાલમાં ખુશ થતો હશે. કાશ્મીરના લોકો આઝાદીની ખુશીઓ મનાવી રહ્યા છે. સંકલ્પ સે સિદ્ધિનું મોટું ઉદાહરણ આપણું આ એકતા નગર પણ છે. દસ વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે કેવડિયા આટલું બદલાઈ જશે. જ્યારે પણ અહીંયા આવું છું ત્યારે અલગ આકર્ષણ જોવા મળે છે. છેલ્લા છ મહિનામાં દોઢ લાખથી વધારે વૃક્ષો વાવ્યા છે. સોલાર પાવરમાં પણ એકતા નગર આગળ છે. હવે સ્પેશિયલ હેરિટેજ ટ્રેનનું આકર્ષણ ઊભું થશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચેની આ ટ્રેનમાં આપણો વારસો છે. એન્જિન સ્ટીમ જેવું દેખાશે પણ ચાલશે વીજળીથી. હવે અહીંયા પબ્લિક બાઈક શેરિંગ સિસ્ટમની પણ સુવિધા મળશે.
સરદાર સાહેબ સાથે જોડાયેલી સ્પર્ધા પણ શરૂ થઈ : દેશમાં ચૂંટણીનો માહોલ છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. એક જૂથ એવું છે જેને સકારાત્મક રાજનીતિ કરવી નથી. આ જૂથ પોતાના સ્વાર્થ માટે દેશની એકતા તોડી શકે છે. આ પડકારો વચ્ચે તમે, મારા દેશવાસીઓ, તમારી ભૂમિકા મહત્વપૂર્ણ થઈ ગઈ છે. આ લોકો પોતે એકજૂટ થઈને દેશની તાકાત તોડવા માગે છે. આપણે વિકસિત ભારતને જોવા માટે એકતાના મંત્રોને જીવવાના છે. એકતાને સાકાર કરવા યોગદાન આપવાનું છે. આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં પૂર્ણ આપવાનું છે. આજથી માય ગોવ (My Gov) પર સરદાર સાહેબ સાથે જોડાયેલી સ્પર્ધા પણ શરૂ થઈ રહી છે. આજનું ભારત નવું ભારત છે. આજનો ભારતવાસી અસીમ આત્મવિશ્વાસથી ભરેલો છે.
સરદારની સેવાઓને યાદ કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાને વિવિધ ક્ષમતાઓમાં કેવી રીતે દેશની સેવા કરી હતી તે યાદ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ તેમની દૂરંદેશી રાજનીતિ, અડગ પ્રતિબદ્ધતા અને અસાધારણ સમર્પણ માટે જાણીતા હતા જેની સાથે તેમણે "આપણા રાષ્ટ્રનું ભાગ્ય" ઘડ્યું.
એકતા દિવસની ઉજવણી કરાઇ : વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય એકતા પ્રત્યે સરદાર પટેલની પ્રતિબદ્ધતા આજે પણ ભારતીય રાષ્ટ્રને માર્ગદર્શન આપી રહી છે અને દેશ હંમેશા તેમની સેવાનો ઋણી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જે ગુજરાતના કેવડિયામાં સ્થિત છે અને તેમાં ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતમાં 1875માં થયો હતો અને તેમણે વકીલ તરીકેની તાલીમ લીધી હતી. તેમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લીધો અને કોંગ્રેસના અગ્રણી નેતા અને મહાત્મા ગાંધીના કટ્ટર સાથી તરીકે ઉભરી આવ્યા. 1947 માં દેશ આઝાદ થયા પછી, સેંકડો રજવાડાઓને ભારતીય સંઘમાં એક કરીને એક હિંમતવાન પગલું ભરવાનો શ્રેય સરદાર પટેલને જાય છે.
- PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્યાં નવા પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જાણો
- Sardar Patel Birth Anniversary: 149મી જન્મ જયંતિએ પણ સરદાર છે દમદાર