210 વર્ષ જૂના રામ મંદિરમાં પણ ભજન કીર્તન વધ્યાં નર્મદા : આગામી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ શુભ અવસર પર સમગ્ર ભારતના રામભક્તોનો ઉત્સાહ સમાતો નથી અને વાતાવરણ રામમય બની રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ 210 વર્ષ જૂના રામમંદિરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.
મંદિરમાં છે ભગવાન રામનું બાળ સ્વરૂપ :નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન રામનું બાળ સ્વરૂપ ધરાવતું મંદિર આવેલું છે. આ મંદિરમાં બારેમાસ ધાર્મિક તહેવારો તો ઉજવાય છે, પરંતુ રામ નવમી એ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે. ત્યારે આગામી 22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે અનુસંધાને અહીંના આ મંદિરમાં પણ તૈયારીઓ કરાઈ રહી છે ભગવાન શ્રીરામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે તો અહીં આ મંદિરની આજુબાજુમાં વસતા તમામ ધાર્મિકજનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે.
ઉત્સવ જેવો માહોલ : મંદિરમાં દરરોજ આરતી કથા અને રામધૂનની સાથે સાથે સાફસફાઈને પણ ખૂબ જ અગત્યતા આપવામાં આવી રહી છે. આજુબાજુના વિસ્તારના લોકોએ રામ મંદિરની આજુબાજુમાં ઉત્સવ જેવો માહોલ ઉભો કરવા માટે ખાસ સાજ અને શણગાર કરી મંદિરને ખૂબ સુંદર રીતે શણગાર્યું છે. દરેકના મનમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે. તેથી જ આ રામ મંદિરમાં 22 તારીખની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
22 તારીખે યોજાયાં કાર્યક્રમ : આગામી 22 તારીખે અહીં સવારથી જ પૂજા અર્ચન ભગવાનની પાદુકા પૂજન અને એક નગરયાત્રા યોજાશે. તેે સાથે મહા ભોજનપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભક્તજનોનું માનવું છે કે સાક્ષાત રામ 22 તારીખે રાજપીપળાના આ મંદિરમાં આવશે અને તેથી જ અનોખા ઉત્સાહનું વાતાવરણ આજથી જ અહીં જોવા મળી રહ્યું છે.
- Narmada News: 22મી જાન્યુઆરીએ રાજપીપળાના દરેક ઘરોમાં દીપ પ્રગટે તે માટે 5 હજાર દીવાનું નિશુલ્ક વિતરણ
- Vadodara News વડોદરામાં રાવણના વિશાળકાય પૂતળાનું દહન યોજાયું, બન્યું હતું ખાસ રીતે