નર્મદાઃ માંગરોળ તાલુકામાં બાગાયત ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. બાગાયત પાકના આ ખેતરોમાં નર્મદા નદીનું પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેમાં ખેતરોમાં રોપવામાં આવેલી પાકની કલમો, ડ્રીપ ઈરિગેશન સિસ્ટમ અને ફેન્સિંગનો સોથ વળી ગયો છે. જેના પરિણામે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
પાક અને ખેત સામગ્રીનો નાશઃ નર્મદાના પાણીથી માંગરોળ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા, ખાસ કરીને માંગરોળની સ્થિતિ બહુ ખરાબ બની હતી. રાત્રે પાણી છોડાતા ઘરોમાં પાણી ઘુસી ગયા અને કંઈ બચાવવાનો સમય પણ ન મળ્યો. ઘર વખરી ક્યાંક તણાઈ ગઈ તો ક્યાંક ખરાબ થઈ ગઈ. પાણી ઓસરતા ખેડૂતોએ ખેતરોની તપાસ કરી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ખેતરોમાં વાવેલ કેળ, કપાસ, શેરડી અને પપૈયાની ટીસ્યુ વાવણીને ખૂબજ નુકસાન થયું હતું. ડ્રીપ ઈરિગેશન અને ફેન્સિંગના તો છોતરા ઊડી ગયા હતા. કુવામાં મુકેલી મોટરોના સ્ટાર્ટર અને વાઈરિંગ પણ નાશ પામ્યા છે.