નર્મદાઃ ગુજરાત સરકાર દ્વારા મનરેગા કામોનું ઈ-ટેન્ડરીંગ ઓનલાઈન પદ્ધતિ દ્વારા થઇ રહ્યું છે. જે મુદ્દે નર્મદા જિલ્લામાં ખુબ વિરોધ થઈ રહ્યો છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખે જિલ્લાના સરપંચો સાથે આ મુદ્દે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને આવેદનપત્ર આપી, ઈ-ટેન્ડરીંગ રદ કરવા રજૂઆતો કરી હતી.
નાંદોદ કોંગ્રેસના MLAએ CMને કરી રજૂઆત, સરપંચોને ન્યાય આપો - MNREGA
ગુજરાત સરકાર દ્વારા મનરેગા કામોનું ઈ-ટેન્ડરીંગ ઓનલાઈન પદ્ધતિ દ્વારા થઇ રહ્યુ છે. જે મુદ્દે વિરોધ થતા નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ CM રૂપાણીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો હતો.
નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ સીધી જ CM રૂપાણીને આ મામલે ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. ધારાસભ્ય પી.ડી.વસાવાએ CM રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં મનરેગા કામોનું ઈ-ટેન્ડરીંગ ઓનલાઈન પદ્ધતિ દ્વારા થઇ રહ્યુ છે. જેનો નર્મદા જિલ્લાના સરપંચો વિરોધ કરી રહ્યા છે. કારણ કે, પાછલા વર્ષોમાં તાલુકા કક્ષાથી મટીરિયલ ખરીદી થતી હતી. હવે જિલ્લા કક્ષાએ મટીરિયલ ખરીદી થાય છે.
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, ગુજરાત પેટન યોજના, આયોજન મંડળના કામો, ધારાસભ્યની ગ્રાન્ટો, સાંસદ સભ્યની ગ્રાન્ટ, નાણાપંચ ગ્રાન્ટના કામો, એટીવીટીના કામો, ગ્રામ પંચાયતના નેજા હેઠળ તેમજ સરપંચોની દેખરેખમાં 5 લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે. તેજ રીતે મનરેગાના કામો પણ 5 લાખ સુધીના કામો ગ્રામ પંચાયતને મળવા જોઈએ એવી સંરપંચોની માંગણી છે. તેથી ઈ-ટેન્ડરની પ્રથા બંધ થવી જોઈએ અને સરપંચોને થતો અન્યાય અટકવો જોઈએ.