- 7થી 15 એપ્રિલ સુધી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 15થી વધુ દર્દીઓના મૃત્યુ
- વડોદરા SSGમાં મોકલાયેલા નર્મદાના તબીબી સ્ટાફને પરત મોકલવાની માંગ
- મનસુખ વસાવાએ નીતિન પટેલને પત્ર લખી માંગ કરી
નર્મદા :જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 15થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તબીબોની અછત વર્તાઈ રહી છે. તો બીજી બાજુ વડોદરા SSG ખાતે મોકલાયેલા નર્મદા જિલ્લાના તબીબો અને નર્સ સ્ટાફને પરત મોકલવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખ્યો છે.
ડૉક્ટરોની અછતને લીધે કોરોના દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યાં
મનસુખ વસાવાએ નીતિન પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નર્મદામાં કોરોના કેસો વધી રહ્યા છે. એમ પણ ડૉક્ટરોની અછતને લીધે કોરોના દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યાં છે. જેથી વડોદરા SSG ખાતે મોકલાયેલા નર્મદાના 5 ડૉક્ટરો અને 45 નર્સને નર્મદા જિલ્લામાં પરત મોકલવામાં આવે. નર્મદા જિલ્લામાં ફિઝિશિયન ડોક્ટર ન હોવાથી કોરોના દર્દીઓને વેન્ટિલેટર અને રેમડેસીવીર ઈન્જેક્શનની સારવાર આપી શકાતી નથી.
આ પણ વાંચો : મનસુખ વસાવાએ છોટુ વસાવાની રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરી