- કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ
- ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો શુભારંભ
- કેવડીયા રેલવે સ્ટેશન પર 11 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર
નર્મદા : સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો હતો. કેવડીયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વડાપ્રધાને વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો.
8 નવી ટ્રેનોનો પણ લીલી ઝંડી આપી શુભારંભ
આ સાથે સાથે 8 નવી ટ્રેનોનો પણ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેવડીયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વારાણસી જંકશન - કેવડીયા એક્ષપ્રેસ, દાદર - કેવડીયા એક્ષપ્રેસ , અમદાવાદ - કેવડીયા જન શતાબ્દી એક્ષપ્રેસ, હજરત નિજામુદીન - કેવડીયા એક્ષપ્રેસ, રીવા - કેવડીયા એક્ષપ્રેસ, ચૈન્નઈ - કેવડીયા એક્ષપ્રેસ, પ્રતાપનગર - કેવડીયા મેમુ તથા કેવડીયા - પ્રતાપનગર મેમુ એમ કુલ -8 ટ્રેનોનો શુભારંભ થયો છે.