આ વર્ષે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો વધુ છે. આ ડેમનું પાણી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સુધી ભલે પહોંચી રહ્યું હોય પરંતુ, આસપાસના તાલુકાઓના ગામડાઓની સ્થિતિ દિવા તળે અંધારા જેવી છે. કેટલાક ગામોમાં પાણી નથી પહોંચતું, તો કેટલાક ગામોમાં તંત્રની બેદરકારીના કારણે પાણી પહોંચવા છતાં લોકો પાણીથી વંચિત રહી જાય છે. વાત છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામની અહીં નર્મદાનું પાણી તો પહોંચે છે પરંતુ, તંત્રની બેદરકારીના કારણે આ ગામના આદિવાસી લોકો આજે પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ સરકાર ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાની વાત તો કરે છે પરંતુ, આ દાવાઓ અંતરિયાળ ગામડાઓમાં ખોટા સાબિત થાય છે.
આ ગામની વસ્તી આશરે 500ની છે અને વંઢ ગામમાં નર્મદાનું પાણી પણ જાય છે, ત્રણ જેટલા હેન્ડપંપ અને બે હોજ અને એક ટાંકી પણ છે પરંતુ, સમસ્યા એ છે કે, હેન્ડ પંપમાં ક્ષારવાળુ પાણી આવે છે. આ ઉપરાંત, ટાંકી નીચી અને નાની હોવાથી ગામમાં ઘરો સુધી પાણી નથી પહોંચી શકતું નથી. જેથી ગામની આદિવાસી મહિલાઓને ઢોર ઢાંકરને પીવા માટે જે પાણી હોજમાં ભરવામાં આવે તે લાઇનમાંથી પાણી ભરવાની ફરજ પડે છે, પાણી ભરવા માટે આદિવાસી મહિલાઓની મોટી લાઇનો લાગી હોય છે, અને મહિલાઓમાં અંદરો અંદર વારંવાર ઝગડાઓ પણ થાય છે. તેમજ આ જગ્યાએ ખૂબ ગંદકી પણ છે અને જો આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે, કેટલીક વાર તરસ્યા પશુ એક સાથે પાણી પીવા આવી જતા મહિલાઓને ભેટી મારવાની પણ ઘટનાઓ બની છે.