- તૌકતે વાવાઝોડાએ ગુજરાત સહિત દેશભરમાં ભારે તારાજી સર્જી
- ગુજરાત સરકારે નુકસાનીનું વળતર આપવામાં નર્મદા જિલ્લાને બાકાત રાખ્યો
- વહીવટીતંત્રએ નુકસાનીનો સર્વે કર્યો અને એનો રિપોર્ટ પણ સરકારમાં મોકલી આપ્યો
નર્મદા: ગુજરાત સરકારે તૌકતે વાવાઝોડા દરમિયાન જે પણ ખેડૂતોના બાગાયતી પાકને નુકસાન થયું હોય એને વળતર આપવાની જાહેરાત કરી છે, પણ ગુજરાત સરકારે નુકસાનીનું વળતર આપવામાં નર્મદા જિલ્લાને બાકાત રાખ્યો છે. ગુજરાત સરકારનો નર્મદા જિલ્લાના ખેડૂતોને અન્યાય કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હાલમાં જ તૌકતે વાવાઝોડાએ ગુજરાત સહિત દેશભરમાં ભારે તારાજી સર્જી હતી. ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ જતા ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની પેટે વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી હતી.
ફળ, ફૂલ અને શાકભાજીના પાકોમાં નુકસાન થયું હોવાનો સરકારમાં રિપોર્ટ
નર્મદા જિલ્લાના ખેડૂતોએ વાવાઝોડા બાદ સરકારને એવી અપીલ કરી હતી કે, અમને પણ નુકસાનીનું વળતર મળવું જોઈએ. નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ અલગ-અલગ ટીમો બનાવી નુકસાનીનો સર્વે કર્યો અને એનો રિપોર્ટ પણ સરકારમાં મોકલી આપ્યો હતો. જ્યારે સરકારે વળતર ચૂકવવા માટેનું લિસ્ટ જાહેર કર્યું તો એમાં નર્મદા જિલ્લાનો સમાવેશ ન કરાતા ખેડૂતો રોષે ભરાયા છે. સર્વેમાં 773 ખેડૂતોના 1,304 હેક્ટર જમીનમાં ફળ, ફૂલ અને શાકભાજીના પાકોમાં નુકસાન થયું હોવાનો સરકારમાં રિપોર્ટ પણ કર્યો હતો.