દાદરા અને નગર હવેલીના નાગરિકો દ્વારા દાદરાનગર હવેલીના કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી કે, OIDC સંચાલિત રેલવે ટિકિટ રિઝર્વેશન કેન્દ્ર ખાતે કેટલાક દલાલો દ્વારા મનમાની કરવામાં આવી રહી છે.
સેલવાસમાં રેલવે ટિકિટમાં કાળા બજારી કરતા 9 ઇસમો ઝડપાયા
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં OIDC સંચાલિત રેલવે ટિકિટ રિઝર્વેશન સેન્ટર ખાતે કેટલાક દલાલો ટિકિટ બાબતે કાળા બજાર કરી પોતાની મનમાની કરતા હોવાની ફરિયાદ સેલવાસ કલેક્ટરને મળતા, દાદરા નગર હવેલીના અધિક કલેકટરે મહેસુલ વિભાગની ટીમ સાથે છાપો મારી 9 દલાલોની ધરપકડ કરી પોલીસ હવાલે કર્યા હતા.
આ ફરિયાદ સંદર્ભે કલેકટરે અધિક કલેકટર ડો. રાકેશ મીનહાસને આદેશ કરતા મહેસુલ વિભાગ દ્વારા લગાતાર ત્રણ દિવસ રેલવે રિઝર્વેશન ટિકિટ કેન્દ્ર પર દલાલોના વ્યવહાર પર ખાસ નજર રાખવામાં આવી હતી. જેમાં મળેલી ફરિયાદ મુજબ દલાલોની ગતિવિધિઓ સામે આવતા અને ફરિયાદકર્તાની ફરિયાદમાં સત્ય હોવાથી રવિવારે અધિક કલેક્ટર ડો. રાકેશ મીનહાસ, મામલતદાર સેલવાસ અને મહેસુલ વિભાગના કર્મચારીઓની ટીમે રેલવે ટીકીટ રિઝર્વેશન કેન્દ્ર, સેલવાસ ખાતે છાપો મારી 9 દલાલોને ઝડપી પાડ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ હવાલે કર્યા હતા.
દાદરા અને નગર હવેલીના નાગરિકોને આ સાથે જ કલેકટર અને મામલતદાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી સૂચના આપવામાં આવી હતી કે, રેલવે ટિકિટ આરક્ષણ કેન્દ્ર સેલવાસ પર આ સિવાયની અન્ય કોઈપણ ગેરકાનૂની ગતિવિધિઓ જાણવા મળે તો કલેકટર કચેરી ખાતે સંપર્ક કરી તે અંગે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. હાલ તો એક સાથે 9 દલાલોની ધરપકડ થતા ટિકિટના કાળા બજારીયાઓમાં ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો.