- મોહન ડેલકરનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન
- હજારોની સંખ્યામાં જનમેદનીએ આપી શ્રદ્ધાંજલિ
- અંતિમયાત્રા સમયે સંઘપ્રદેશના લોકોએ સજ્જડ બંધ પાળ્યો
સેલવાસ: મંગળવારે દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી હતી. મોહનભાઈએ સોમવારે મુંબઈની હોટેલમાં આપઘાત કર્યો હતો. જે બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શોકનું મોજું પ્રસર્યું હતું. મંગળવારે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સહિત જનમેદની ઉમટી હતી. ડેલકરના પાર્થિવ દેહને સાંજે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ દાદરા નગર હવેલીમાં લોકોએ સ્વંયભૂં બંધ પાડી અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. મુંબઈથી સોમવારે મોડી રાત્રે ડેલકરના પાર્થિવ દેહને સેલવાસમાં તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમના પરિવારના સભ્યોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો. મંગળવારે 10:00 વાગ્યે મોહનભાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આદિવાસી ભવનમાં લાવવામાં આવ્યો હતો.
તમામ મુખ્ય માર્ગો ચાહકોથી ઉભરાયા
આદિવાસી ભવનમાં હજારોની જનમેદની ડેલકરના અંતિમ દર્શન માટે ઉમટી પડી હતી. આદિવાસી ભવનના તમામ મુખ્ય માર્ગો મોહનભાઈના ચાહકોથી ઉભરાયા હતાં. હજારોની સંખ્યામાં આવેલા પ્રદેશવાસીઓએ અશ્રુભીની આંખે અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. જે બાદ મોહનભાઈના પાર્થિવ દેહની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.