દાદરા નગર હવેલી 2 ઑગસ્ટ, 1954ના રોજ ક્રાંતિકારોની ચળવળના કારણે ફિરંગીઓના પંજામાંથી મુક્ત થયું. 7 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 11 ઑગસ્ટ, 1961ના રોજ ભારતમાં સંઘપ્રદેશના દરજ્જા સાથે સામેલ થયું. દાદરા નગર હવેલી એક લોકસભા સીટ ધરાવે છે. પહેલી લોકસભા ચૂંટણી 1967માં યોજાયેલી, જે તે વખતે કોંગ્રેસના સંજીભાઈ આર. ડેલકર પહેલા સાંસદ બન્યા હતાં. ત્યારથી આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. ઇ.સ. 1971માં કોંગ્રેસના જ રામુભાઈ રવજીભાઈ પટેલ MP બન્યાં હતાં. વર્ષ 1977માં ફરી કોંગ્રેસે રામુભાઈ રવજીભાઈ પટેલને ટિકિટ આપતા તે ફરી ચૂંટાયા હતાં.
1980માં કોંગ્રેસે રામજી પોટલાં માહલાને ટિકિટ આપી અને કોંગ્રેસે સત્તા જાળવી રાખી. જેને વર્ષ 1984માં અપક્ષ ઉમેદવાર સીતારામ જીવ્યાભાઈ ગવળીએ હસ્તગત કરી અને અપક્ષ સાંસદ બન્યાં. જે બાદ અપક્ષ વિજેતાનો સિલસિલો 1989માં પણ યથાવત રહ્યો. આ વખતે પ્રથમ લોકસભા સાંસદ સંજીભાઈ ડેલકરના પુત્ર મોહન ડેલકરે લોકસભા ચૂંટણી જંગમાં ઝંપલાવી અપક્ષ સાંસદ તરીકે જંગી બહુમતીથી વિજેતા બન્યાં અને મોહનભાઈની રાજકીય કારકિર્દી શરૂ થઈ. જેમાં મોહનભાઇ 1991 અને 1996 કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. જે બાદ મોહન ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી 1998માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યાં.
1999માં ફરી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2004માં મોહન ડેલકરે પોતાનો અલગ ભારતીય નવશક્તિ પાર્ટીના નામનો પક્ષ રચ્યો અને દાદરા નગર હવેલીના સાંસદ બન્યા, તો લાંબા સમયથી ચાલ્યો આવતો આ સિલસીલાનો અંત 2009માં આવ્યો. કેમ કે, 2009માં ભાજપે નટુભાઈ પટેલને ટિકિટ આપી અને તેમણે ભાજપને આ સીટ અપાવી. વર્ષ 2014માં ફરી ભાજપે નટુભાઈ પટેલને ટિકિટ આપતા ફરી નટુભાઈ પટેલે અહીં ભાજપની સત્તા જાળવી રાખી છે.
વર્ષ 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2004માં દાદરા નગર હવેલીની લોકસભા સીટ કબ્જે કરવા મોહન ડેલકરની નવરચિત પાર્ટી ભારતીય નવશક્તિ પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં કુલ 84,703 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં મોહન ડેલકર 34665 મત મેળવી વિજેતા બન્યા હતાં. કોંગ્રેસના સીતારામ ગવળીએ 21,772 મત મેળવ્યા હતાં. જ્યારે ભાજપના અનિલ પટેલને માત્ર 13,178 મત મળ્યા હતાં.