દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી માત્ર 7 કિલોમીટર દૂર વસેલું આ ગામ છે મેઘવાળ, ગામની વસ્તી 3500 આસપાસ છે. 600 હેકટરમાં પથરાયેલા મેઘવાળ ગામમાં 13 ફળિયા આવેલા છે. આ ગામ દાદરા નગર હવેલીનું નહીં, પરંતુ વલસાડ જિલ્લાનું છે. તેમ છતાં તેને વલસાડ જિલ્લાની સરહદ સ્પર્શતી નથી. ચારે તરફથી દાદરા નગર હવેલીની સરહદ વચ્ચે આવેલા આ ગામના લોકોને સરકારી કામકાજ માટે વલસાડ જિલ્લાના 60 કિલોમીટર દૂર તાલુકા મથક કપરાડા ખાતે અથવા તો 80 કિલોમીટર દૂર વલસાડ સુધી જવું પડે છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પરંતુ રોજગારી માટે, આરોગ્ય સેવા માટે અને શિક્ષણ માટે દાદરા નગર હવેલીના મોહતાજ બનવું પડે છે. ગામના સરપંચ લાહનુભાઈ માઢા, તાલુકા પંચાયત સભ્ય ગોવિદભાઈ બોરસા અને માજી પંચાયત સભ્ય ઉત્તમભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મેઘવાળ ગામ ગુજરાતનું છે અને ચારેબાજુ સંઘપ્રદેશથી ઘેરાયેલું હોય સરકારની અનેક યોજનાઓનો લાભ મળતો નથી. જ્યારે સંઘપ્રદેશની અનેક લાભકારી યોજનાઓ જાણીને ગામલોકો તે યોજનાઓનો લાભ મેળવવા રજૂઆત કરે છે.
ગામ સંઘપ્રદેશની મધ્યમાં હોય વર્ષોથી આ ગામને સંઘપ્રદેશમાં ભેળવવાની માગ કરવામાં આવી રહી છે. વર્ષો પહેલા આ અંગે વલસાડ જિલ્લાના પીઢ નેતા સ્વ. ઉત્તમ હરજી મિનિસ્ટર હતા, ત્યારે તેની સમક્ષ રજૂઆત કરી હતી. તે બાદ સંઘપ્રદેશના સાંસદ મોહન ડેલકર સમક્ષ, વલસાડ કલેકટર, વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર વગેરે તમામ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો નથી. એક વર્ષ પહેલાં આ અંગે વલસાડ કલેક્ટર અને સંઘપ્રદેશ પ્રશાસન વચ્ચે મિટિંગ પણ ગોઠવાઈ હતી. જે બાદ આ અંગે કોઈ કાર્યવાહી નહીં થતા આખરે દાદરા નગર હવેલી, દમણ દિવના મર્જરને લઈને ગામના લોકોની માંગ ફરી બળવત્તર બની છે.
સંઘપ્રદેશના નકશામાં તો છે મેઘવાળ ગામ પરંતુ, વર્ષોથી સંઘપ્રદેશ સાથે જોડાવા કરી રહ્યું છે મથામણ ગામના વિકાસની વાત કરીએ તો ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની વીજળી આપી છે. જે સંઘપ્રદેશ કરતા યુનિટ દીઠ ખૂબ જ મોંઘી છે. ગામમાં ધોરણ 8 સુધીની શાળા છે. વધુ અભ્યાસ માટે સંઘપ્રદેશની નજીકની શાળામાં જવું પડે છે. વર્ષો બાદ ધૂળિયા રસ્તા ડામરના બન્યા છે. તેમ છતાં હજુ પણ બે ફળિયામાં કાચા રસ્તા છે અને લાઈટનું જોડાણ નથી. ચોમાસામાં અનેક વાર મહિના સુધી લાઈટ ગુલ રહે છે. નજીકના ગામલોકો ગુજરાતના હોવાના કારણે અપમાનિત કરી દાદાગીરી કરતા હોય છે. ચોમાસામાં જો દમણગંગા નદીનું લેવલ વધે તો શાળાએ જતા બાળકો, ગામલોકો એક છેડેથી બીજે છેડે આવી નથી શકતા. પીવાનું શુદ્ધ પાણી સહિતની અનેક પારાવાર મુશ્કેલીનો સામનો આજની આધુનિક સદીમાં પણ ગામલોકો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મેઘવાળ ઉપરાંત અન્ય ત્રણ ગામો મધુબન, રાયમલ અને નગર પણ દાદરા નગર હવેલીમાં આવેલા ગુજરાતના ગામ છે. આ ગામના ગામલોકોની પરિસ્થિતિ મેઘવાળ ગામ કરતા વિપરીત છે. આ ગામના લોકો શું ઈચ્છે છે. તે અંગે પણ અમે આ ગામની મુલાકાત લીધી છે. તેનો ખુલાસો પણ ETV Bharat ટૂંક સમયમાં કરશે સાથે જિલ્લાના અધિકારીઓ આ અંગે શું કહે છે તે પણ બતાવીશું. આજે મેઘવાળ ગામની વાત રજુ કરી છે એ જ રીતે અન્ય ગામની પણ વાત કરીશું