મોરબીના દરબાર ગઢ પાસે આવેલા હનુમાનજી મંદિર સામે પાણીનો વાલ્વ આવેલો છે. આ વિસ્તારમાં જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે વાલ્વમાંથી પાણી સતત વહેતું જોવા મળે છે. પાણીના વાલ્વમાંથી સતત પાણી વહીને ગટરમાં જઈને વેડફાઈ રહ્યું છે. પરંતુ આ પાણીના વેડફાટને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ પગલા ઉઠાવવામાં આવ્યા નથી.
સૌરાષ્ટ્રમાં પાણીની તંગી વચ્ચે મોરબીના દરબારગઢ નજીક પાણીનો વેડફાટ - Saurashtra
મોરબીઃ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દર વર્ષની જેમ સૌરાષ્ટ્રભરમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. મોરબી સહિતના વિસ્તારોમાં મહિલાઓ એક બેડા પાણી માટે રઝળપાટ કરતી જોવા મળે છે, ત્યારે મોરબીના દરબારગઢ નજીક પાણીના વેડફાટના દ્રશ્યો સર્જાયા છે.
દરબાર ગઢ નજીકના આ પાણીના વાલ્વમાંથી પાણીનો વેડફાટ હંમેશના ધોરણે જોવા મળે છે. પરંતુ પાણીનો વેડફાટ રોકવા માટે સ્થાનિકો પણ જાગૃતિ દાખવતા નથી. આ વિસ્તારમાં પ્રતિનિધિ કે પાલિકા તંત્રને પણ પાણીનો વેડફાટ રોકવાની કોઈ ઈચ્છા ન હોય તેવી રીતે સતત પાણી વહેતું જોવા મળે છે. ત્યારે એક-એક બેડા માટે બે કિલોમીટર સુધી રઝળતી ગ્રામ્ય પંથકની મહિલાઓ પાણીના વેડફાટના દ્રશ્યો જોઇને જરૂર દુ:ખી થતી હશે.
બીજી તરફ રાજ્ય સરકાર પણ વોટર મેનેજમેન્ટ માટે ઉચ્ચ કક્ષાની મીટીંગનું આયોજન કરતી હોય છે, પરંતુ સ્થાનિક કક્ષાએ અનેક સ્થળે વેડફાતા પાણીને રોકવા તંત્રને કોઈ સુચના આપવામાં આવતી નથી તે એક હકીકત છે.