વાયરલ વીડિયોએ ટોલનાકા પ્રકરણને આપ્યો નવો વળાંક મોરબી :વાંકાનેર ટોલનાકા પ્રકરણનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોના કારણે વાંકાનેર ટોલનાકા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે અને ચર્ચાનો દોર શરૂ થયો છે. આ વીડિયો જોઈને ટોલનાકાના સંચાલકો સાથે ટેક્સી એસોસિએશનની સાંઠગાંઠ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જુઓ ટોલનાકાનો શોર્ટકટ રુટ બતાવતો વાયરલ વીડિયો
શોર્ટકટ રુટ બતાવતો વીડિયો : સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો સંભવત ચોમાસા સમયનો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં એક કાર એક કેબની પાછળ પાછળ જતી જોવા મળે છે. જે કારચાલક ટેક્સી એસોસિએશન સાથે સંકળાયેલો હોય અને કેબના ડ્રાઈવરને સમગ્ર રૂટથી પરિચિત કરાવી રહ્યો છે. ટોલગેટ બાયપાસ કરવા માટે ભેજાબાજોએ સિરામિક ફેક્ટરીમાંથી રસ્તો બનાવ્યો હતો. આ વીડિયોમાં કથિત વ્યક્તિ તે રૂટ દર્શાવી રહ્યો છે. જેમાં વ્હાઈટ સિટી સિરામિકના અંદરના રસ્તે થઈને સિરામિકની દીવાલને સમાંતર રસ્તેથી ટેક્સી જેવા નાના વાહનો પસાર થઈ રહ્યા છે.
માત્ર રુ. 20 માં ટોલ પાસ : આ ઉપરાંત વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટેક્સી એસોસિએશનની આ મામલે સાંઠગાંઠ હોય તેમ ટેક્સી ઉભી રાખી કારચાલક લીસ્ટમાં નામ અને નંબર ચેક કરવાનું કહે છે. ઉપરાંત ટેક્સી વાળા પાસેથી મળતિયો માણસ માત્ર રૂ 20 લઈને ટેક્સીને જવા દેતો જોવા મળે છે. જ્યારે નિયમ પ્રમાણે ટોલનાકા પરથી પસાર થતા વધુ રકમ ચૂકવવી પડતી હોય છે.
વાયરલ વીડિયોમાં શું છે ?જે કારચાલક સિરામિકના ગેટથી ટેક્સી પાછળ રહીને અંદરના રસ્તેથી સિરામિકની દીવાલ સમાંતર રોડ પરના દ્રશ્યો બતાવી રહ્યો છે. ઉપરાંત કેવી રીતે વાહનોને બાયપાસ કરાવી ટોલ નહી ભરીને કેબ કે ટેક્સીને અહીંથી પસાર કરાવવી તેની સંપૂર્ણ માહિતી આપતો વીડિયોમાં સંભળાઈ રહ્યો છે. જોકે વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ નથી, પરંતુ વીડિયોમાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. જેથી ચોમાસા સમયનો અથવા તો થોડા સમય પૂર્વે થયેલા માવઠા સમયનો વીડિયો હોવાનું અનુમાન છે.
ટેક્સી એસોસિએશનની સાંઠગાંઠ ? વાયરલ વીડિયોમાં બોલતો માણસ ટેક્સી એસોસિએશન સાથે જ સંકળાયેલો હોય અને ટેક્સી ડ્રાઈવરને સમગ્ર રૂટ અને અહીં ઉભા રહેતા માણસો સાથે કેવી રીતે ડીલ કરવી તે સમજાવી રહ્યો છે. જોકે વાયરલ વીડિયોની સત્યતા અંગે પુષ્ટિ કરી શકાતી નથી. પરંતુ આ વીડિયોથી વાંકાનેર ટોલનાકા પ્રકરણમાં નવો ખુલાસો થઈ શકે છે. ઉપરાંત સમગ્ર મામલે આરોપીઓ સાથે ટેક્સી એસોસિએશનની સાંઠગાંઠ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
- વાયરલ બનેલા ગેરકાયદેસર ટોલનાકા સંદર્ભે પોલીસે ફરિયાદી બની પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો
- દીવા તળે અંધારુઃ વાંકાનેરમાં વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકુ