- મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર
- સરકારી તંત્ર આકડા છૂપાવતું રહ્યું
- એક માસમાં 600 જેટલા કેસ નોંધાયા, સ્વૈચ્છિક લોકડાઉનની ફરજ પડી
મોરબી : સમગ્ર દેશ અને રાજ્યમાં સાથે મોરબી જિલ્લામાં આવેલા ઘુંટુ ગામમાં પણ બીજી લહેરમાં કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં બીજી લહેરે મોરબી જિલ્લામાં હાહાકાર મચાવતા ઘુંટુ ગામના સરપંચે સ્વૈચ્છિકલોકડાઉન જાહેર કર્યું હતું. આ અંગે વાત કરતા ગામના સરપંચે જણાવ્યું હતું કે, ઘુંટુ ગામની આસપાસમાં અનેક સિરામિક ફેક્ટ્રીસ આવેલી હોવાને કારણે ત્યાં કામ કરતા શ્રમિકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે ગામમાં અવરજવર કરતા હોવાને કારણે કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. તેમજ ઘુટું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પણ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો હતો. જેથી ઘુંટુ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. ઘુંટુ ગામમાં 500થી 600 કેસ સુધી આંકડો પહોંચ્યો હતો. જો કે, એક માસ કરતા વધુ સમયથી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાથી હાલ એક્ટિવ કેસનો આંક 100થી પણ નીચે છે.
આ પણ વાંચો -મોરબીના ઘુંટુ ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી આરોપી ફરાર થવા મામલે ગુનો નોંધાયો
કોરોનાના કારણે 100થી વધુ લોકોના મોત, હાલ સ્થિતિ કાબૂમાં
મોરબીના ઘુંટુ ગામમાં એક તબક્કે 500થી 600 કેસ સુધી આંકડો પહોંચી ગયો હતો. આ સાથે 100થી 110 લોકોના મોત પણ થયા હતા. જેને પગલે ગામના સરપંચે તાત્કાલિક સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો હતો. સ્વૈચ્છિક લોકડાઉનને પગલે હવે સ્થિતિ થોડી કાબૂમાં છે. જો કે, કોરોના મહામારીને પગલે ગામમાં 100થી વધુ મૃત્યુ નોંધાયા હોવાનું ગામના આગેવાને સ્વીકાર્યું હતું. બીજી તરફ સરકારી ચોપડે આ મૃત્યુ આંક ક્યાંય નોંધાયો જ ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હાલ સ્વૈચ્છિક લોકડાઉન કારગત રહ્યું છે અને સ્થિતિ હવે કાબૂમાં હોવાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે, અને હજૂ ગ્રામજનો તમામ તકેદારી રાખી રહ્યા હોવાનું પણ આગેવાનો દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો -મોરબીના ઘૂટું ગામના ખેડૂતોએ કર્યા પ્રતિક ઉપવાસ