ગુજરાત

gujarat

ETV Bharat / state

ગેસના ભાવમાં 4 રુપિયાનો વધારો થતાં મોરબી સિરામિક ઉદ્યોગમાં મુશ્કેલી

સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં સીધો 4 રુપિયાનો વધારો કરાતા મોરબી સિરામિક ઉદ્યોગ પર મુશ્કેલીના વાદળ છવાયા છે. સિરામિક એસોસિએશન તેમજ ઉદ્યોગપતિઓ કેમ ગેસનો ભાવવધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવા માગ કરી રહ્યા છે તે આવો જોઈએ આ વિશેષ અહેવાલ...

Morbi News
મોરબી સિરામિક ઉધોગ પર મુશ્કેલીનો ભાર વધ્યો

By

Published : Dec 26, 2020, 11:34 AM IST

  • મોરબી સિરામિક ઉધોગ પર મુશ્કેલીનો ભાર વધ્યો
  • ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવ્યો ગેસના ભાવમાં વધારો
  • ગેસના ભાવમાં વધારો થતા જૂના ઓર્ડરનું એક્સપોર્ટ કરવું બન્યું મુશ્કેલ
  • સિરામિક ઉધોગ પર માસિક 80 કરોડનો બોજો વધશે
  • આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટને પણ ફટકો

મોરબીઃ આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને વેપાર-ધંધા ઠપ્પ છે, ત્યારે આરબ દેશો અને અન્ય દેશોના એક્સપોર્ટ ઓર્ડર મળતા મોરબી સિરામિક ઉદ્યોગમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને તેજીની લહેરમાં સિરામિક ઉદ્યોગે ચીનને પણ એક્સપોર્ટમાં પાછળ ધકેલી દીધું હતું. જોકે સિરામિક ઉદ્યોગની માઠી હંમેશાની જેમ જોવા મળી રહી છે. તેજીના માહોલ અને એક્સપોર્ટના જોરદાર ઓર્ડર વચ્ચે ગેસના ભાવોમાં ઓચિંતો વધારો ઝીંકવામાં આવ્યો છે, ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયું છે. સિરામિકમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવોમાં 4 રૂપિયાથી વધુનો વધારો સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખનારો સાબિત થશે અને ગેસના નવા ભાવ સાથે સિરામિક ઉદ્યોગ એક્સપોર્ટ પણ નહીં કરી શકે.

ગેસના ભાવમાં 4 રુપિયાનો વધારો થતાં મોરબી સિરામિક ઉદ્યોગમાં મુશ્કેલી

ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવ્યો ગેસના ભાવમાં વધારો

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે નેચરલ ગેસનો વપરાશ કરવામાં આવે છે. જે મુખ્યત્વે ગુજરાત ગેસ પુરો પાડે છે. જોકે ઓચિંતો ગેસના ભાવોમાં 4 રૂપિયાથી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ અગાઉ મળતું ડિસ્કાઉન્ટ હવે પરત લેવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ભાવવધારાને પગલે ગેસના ભાવોમાં અસહ્ય વધારો કરાતા હવે ગેસનો નવો ભાવ 29.50 રૂપિયા થયો છે. એટલું જ નહીં અગાઉ જે એમજીઓ એક માસનો કરાર થતો હતો તે પણ હવે ત્રણ માસ કરવામાં આવ્યો છે. જેથી ઉદ્યોગને ડબલ ફટકો પડશે તેમ સીરમિકા એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું.

ગેસના ભાવમાં વધારો થતા જૂના ઓર્ડરનું એક્સપોર્ટ કરવું બન્યું મુશ્કેલ

ગેસના ભાવ વધારા અંગે કિશોરભાઈ ભાલોડીયાએ જણાવ્યું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ 80 થી વધુ દેશોમાં હાલ એક્સપોર્ટ કરી રહયું છે. જોકે ઓચિંતો ગેસનો ભાવ વધારો થતા એક્સપોર્ટને ફટકો પડશે. કારણ કે, એક્સપોર્ટના ઓર્ડર અગાઉ લીધા હોય અને હવે નવા ગેસના ભાવ સાથે ઉત્પાદન તે ભાવમાં થઇ શકતું નથી જેથી ઉદ્યોગને પ્રતિદિન 2.25 કરોડનું ભારણ વધશે. તે ઉપરાંત કોલસાના ભાવોમાં પણ તાજેતરમાં વધારો થયો છે, જેથી સિરામિક ઉદ્યોગ નવા ગેસના ભાવ સાથે વિશ્વ હરીફાઈમાં ટકી શકશે નહીં અને એક્સપોર્ટમાં ઘટાડો થશે. તો અગાઉ લીધેલો ઓર્ડર પૂર્ણ કરવા પણ ઉદ્યોગપતિઓએ નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સિરામિક ઉધોગ પર માસિક 80 કરોડનો બોજો વધશે

ગેસના ભાવવધારા અંગે ઉદ્યોગપતિ જણાવે છે કે, તેના સિરામિક યુનિટને પ્રતિ સ્ક્વેર મીટર ઉત્પાદન પર 5 થી 6 રૂપિયાની નુકસાની સહન કરવી પડશે અને પ્રતિદિન તેના યુનિટને નવા ગેસના ભાવો સાથે 3 થી 4 લાખનું નુકસાન થશે. એટલું જ નહીં ગેસ કંપની સાથે કરારની જે એક માસની સવલત હતી, તે પરત લીધી છે અને હવે ફરજીયાત 3 માસ કરાર કરવા પડશે. જેથી મેન્ટેનન્સ કે અન્ય કારણોસર એકમ બંધ રાખવા છતાં ગેસનું તોતિંગ બીલ તો ભરવું જ પડશે. જેના કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.

આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટને પણ ફટકો

મોરબીના સિરામિક ઉદ્યોગને પ્રતિદિન 2.25 કરોડ અને માસિક 80 કરોડથી વધુનો બોજ ગેસના ભાવવધારાને કારણે સહન કરવાનો વારો આવ્યો છે. સિરામિક ઉદ્યોગના મુખ્ય ઇંધણ તરીકે નેચરલ ગેસ વપરાય છે જે ગેસમાં અસહ્ય ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પણ ફટકો પડશે. કોરોના મહામારીની મંદીના માહોલમાં સિરામિક ઉદ્યોગ મોટી માત્રામાં એક્સપોર્ટ કરી વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. જે આવક પણ બંધ થશે તો સિરામિક ઉદ્યોગને ફટકો પડતા લોકોની રોજગારી પર પણ અસર જોવા મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details