ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા ઉજળા સંજોગો - કોરોના મહામારી

વિશ્વભરમાં કોરોનાએ ભરડો લીધો છે, ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહી શક્યો નથી. ગુજરાત મોટાભાગના જિલ્લાઓમાં કોરોના ફેલાયો છે. પરંતુ મોરબી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ અન્ય કોઈ કેસ નોંધાયો નથી. સિરામિક નગરી મોરબીમાં કોરોના પોઝીટીવ કેસ બાદ તંત્રએ તકેદારીના તમામ પગલા લીધા હતા. તો લોકોએ પણ જાગૃતતા દર્શાવી હતી. જેના પગલે સિરામિક સીટી મોરબી કોરોના મુક્ત બનવા તરફ જઈ રહ્યું છે. જેનો યશ વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ વિભાગ સાથે ચોક્કસ નાગરિકોની જાગૃતતાને આપી શકાય તો આવો જોઈએ મોરબી જિલ્લાને કોરોના મુક્ત બનાવવા તંત્રના સહિયારા પ્રયાસોનો વિશેષ અહેવાલ..

ગુજરાતમાં
ગુજરાતમાં

By

Published : Apr 23, 2020, 3:49 PM IST

મોરબી : ઉમા ટાઉનશીપમાં રહેતા એક આધેડને 5 એપ્રિલના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મોરબી જિલ્લાનું તંત્ર એલર્ટ બન્યું હતું. કોરોના પોઝિટિવ આવેલા દર્દી અન્ય રાજ્યોમાં મુસાફરી કરીને આવ્યા હતા. જેઓને હાલ રાજકોટ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે, તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા કોરોના દર્દીના નિવાસસ્થાન એવા મોરબીના ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટના 95 રહીશોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોના પોઝિટિવ પ્રથમ કેસ નોંધાયા બાદ 14 દિવસ વીત્યા છતાં અન્ય કોઈ કેસ નોંધાયો નથી, તેમ જિલ્લાના અધિક કલેકટર જણાવ્યું હતું. જો કે, તકેદારીના તમામ પગલા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર લઇ રહ્યું છે. જ્યારે લોકડાઉનની ચુસ્ત અમલવારી પણ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા ઉજળા સંજોગો

કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ સૌથી વધુ જવાબદારી આરોગ્ય તંત્ર બાદ પોલીસના શિરે આવી હતી. લોકડાઉનની અમલવારી માટે પોલીસ સજાગ હોવાનું જણાવી જિલ્લા એસપીએ લોકડાઉન સબબ કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં જણાવ્યું છે કે, જિલ્લામાં લોકડાઉનની અમલવારી માટે મોરબી જિલ્લામાં પોલીસ, હોમગાર્ડ, એસઆરપી સહિતના 1200 જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપરાંત વિવિધ 54 પોઈન્ટ પર પોલીસનો સતત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આ સાથે જ જિલ્લામાં 775 જાહેરનામાં ભંગના કેસ કરીને 2000 જેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે. તેમજ ડ્રોન કેમેરાની મદદ તેમજ CCTV કેમેરાના માધ્યમથી પાર્કિંગ પોઈન્ટ અને ધાબા પર એકત્ર થનાર સામે કાર્યવાહી કરી રહ્યા છે. તે ઉપરાંત મોરબી જિલ્લામાં અમદાવાદ અને રાજકોટ સહિતના સ્થળેથી મોરબીમાં આવેલા લોકો સામે જાહેરનામાં અને ડીઝાસ્ટર એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.


મોરબી જિલ્લો કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે. ત્યારે અગ્રણી ઉધોગપતિ જણાવે છે કે, મોરબીમાં અન્ય રાજ્યોના લાખો શ્રમિકો અહી કામ કરતા હોય છે. જો કે, મોરબી જિલ્લામાં કોરોનાની ઓછી અસર હોવાથી તંત્ર દ્વારા એકમોને શરુ કરવા શરતોને આધીન મંજુરી આપી છે. તો ઉદ્યોગપતિઓ પણ કોરોનાના સંક્રમણને અટકાવવા કટિબદ્ધ છે. તેમજ તમામ નિયમોનું પાલન કરીને ફેકટરીઓ શરુ કરી છે. કોરોનાને હરાવવા મોરબીના નાગરિકો અને ઉધોગપતિઓ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. જયારે મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ગ્રામજનોએ પણ જાગૃતતા દાખવી છે. જે મામલે ટંકારાના સજ્જનપર ગામના સરપંચ જણાવે છે કે, જિલ્લાના પાંચ તાલુકાના 350 ગામોએ જાગૃતતા દાખવી છે. ગામના સરપંચ અને નાગરિકોએ ગામને સેનેટાઈઝર કર્યું હતું. એટલું જ નહિ પરંતુ બહારની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા ઉપરાંત બહારથી આવતા નાગરિકોની માહિતી તુરંત તંત્રને પહોંચાડી છે. જેને પગલે અન્ય સ્થળેથી આવેલા લોકોને તુરંત તંત્ર કોરોન્ટાઈન કરી શક્યુ હતું. આ કારણે કોરોના સંક્રમણને અટકાવી શકાયું છે.

આમ સાડા નવ લાખથી વધુની વસ્તી ધરાવતા અને દેશ દુનિયામાં ઓદ્યોગિક જિલ્લા તરીકે ઓળખાતા મોરબી જિલ્લાને કોરોના મુક્ત બનાવવાની દિશામાં સાર્થક કદમો ઉઠાવવામાં આવી રહ્યા છે. મોરબી શહેર ઓદ્યોગિક નગરી છે. જેના સિરામિક ઉદ્યોગને ચીન સાથે સીધો નાતો છે. ચીની નાગરિકો મોરબીમાં વસવાટ કરે છે. એટલું જ નહિ વેપારી અને ઉદ્યોગપતિ પણ અવારનવાર ચીનની મુલાકાત જતા હોય છે. છતાં મોરબી જિલ્લો કોરોના મુક્ત બને તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે.

મોરબીમાં 5 એપ્રિલ એટલે કે 15 દિવસ પૂર્વે પોઝિટિવ કેસ નોંધાયા બાદ એકપણ નવો કેસ નોંધાયો નથી. તો પોઝિટિવ દર્દીના પત્નીના બે વખત રીપોર્ટ નેગેટીવ આવી ચુક્યા છે. તેમણે જે ટેક્સીનો ઉપયોગ કર્યો હતો, તે ટેક્સી ડ્રાઈવરનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. અને કોરોન્ટાઈન પીરીયડ પણ પૂર્ણ થઇ ચુક્યો છે. કોરોના સામેની જંગમાં મોરબી ગુજરાતમાં પ્રથમ જંગ જીતી બતાવે તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ કહેવાય.

ABOUT THE AUTHOR

...view details