- ફેક્ટરીના માલિકને ગીફ્ટ બોક્સમાં મળી શંકાસ્પદ વસ્તુ
- વાયરો અને સર્કિટ જેવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી
- S.P. અને Dy.S.P. પણ ઘટના સ્થળે પહોંચ્યા
મોરબી : વાંકાનેર નજીક આવેલી ફેક્ટરીના સંચાલકને ગીફ્ટ બોક્સ મળ્યું હતું જેને ખોલતા તેનું મગજ બહેર મારી ગયું હતું. કારણ કે ગીફ્ટ બોક્સમાં બોમ્બ જેવી શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી હતી. જેથી બોક્સ ફેકી દઈને પોલીસને જાણ કરતા જિલ્લા S.P., Dy.S.P. ઉપરાંત LCB, SOG અને સ્થાનિક પોલીસ ટીમો દોડી ગઈ હતી.
સિક્યુરિટી ગાર્ડને ગીફ્ટ બોક્સ આપી શખ્સ ગાયબ
વાંકાનેરના સરતાનપર રોડ પર પરની સેટ મેક્સ નામની ફ્લોર ટાઈલ્સ ફેક્ટરીના સિક્યુરીટી ગાર્ડને એક પરપ્રાંતીય શખ્સ ગીફ્ટ પેકિંગમાં બોક્સ આપી ગયો હતો અને બોક્સ મેઈન શેઠને આપવા જણાવ્યું હતું. જેથી સિક્યુરિટી ગાર્ડ ગીફ્ટ બોક્સ ફેક્ટરી સંચાલક વિનોદ ભાડજાને ઓફિસમાં પહોંચાડ્યું હતું અને ગીફ્ટ બોક્સ વિનોદભાઈએ ખોલતા તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કારણકે ગીફ્ટ બોક્સમાં કોઈ ગીફ્ટની આઈટમ ન હતી, પરંતુ વાયરો અને સર્કિટ જેવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતા બોક્સનો ઘા કરી દીધો હતો અને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ ટીમો દોડી ગઈ અને બનાવની તપાસ ચલાવી હતી.