લાયન્સ કલબ મોરબી નઝરબાગ દ્વારા જન્મદિવસ પ્રસંગમાં રોપા ભેટ અપાયા - જન્મદિવસ
મોરબી: જિલ્લાની પી જી પટેલ કોલેજના આચાર્ય અને તાજેતરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ તરીકે વરણી પામેલા ડો. રવીન્દ્ર ભટ્ટ દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે શાળા અને કોલેજોમાં કેક કાપીને અથવા તો ચોકલેટ વિતરણ કરીને જન્મદિવસ ઉજવાતો હોય છે. ત્યારે, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખે નવો ચીલો ચાતર્યો છે. જેમાં શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓના જન્મદિવસ પ્રસંગે એક એક રોપા ભેટરૂપે આપીને વિદ્યાર્થીકાળથી જ પર્યાવરણ જતન અંગેનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અભિયાનના ભાગરૂપે શહેરની ખાનગી કોલેજમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ નિમીત્તે રોપા ભેટ આપવામાં આવ્યા હતા. તેમજ શહેરની પાંચ સંસ્થામાં રોપા વિતરણ કરીને જન્મદિવસની ઉજવણીનો નવો કન્સેપ્ટ અમલમાં મુક્યો છે. આ અભિયાન અંગે સંસ્થા પ્રમુખ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં વૃક્ષારોપણ પ્રવૃતિનું મહત્વ સમજાય તેમજ પર્યાવરણ બચાવોનો સંદેશ આપવા અભિયાન શરુ કર્યું છે. જેમાં આવનાર દિવસોમાં શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે સંસ્થાના અનેરા પ્રયાસને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો આવકારી રહ્યા છે.