હાલ દર્દીની તબિયત સારી હોવાનું આરોગ્ય તંત્ર પાસેથી જાણવા મળ્યું છે. કોંગો ફીવરના નિદાન માટે બ્લડ સેમ્પલ પુના ખાતે મોકલી આપેલ છે. તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આવશે ત્યાર બાદ આગળની જરૂરી સારવાર કરવામાં આવશે.
હળવદમાં મજૂર કોંગો ફીવરમાં સપડાયા હોવાની આશંકા
મોરબી: શ્રી રામ ગૌશાળામાં કામ કરતા મૂળ છોટાઉદેપુરના શ્રમજીવીને ત્રણેક દિવસથી તાવ આવતો હોય તેવી ફરિયાદને પગલે રિપોર્ટ કરાવતા મેલેરિયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ નેગીટિવ આવ્યો હતો. દર્દીને પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાથી હળવદ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ, તબિયતમાં સુધારો ના થતા કોંગોફીવરની આશંકાને ધ્યાને લેતા પી.ડી.યુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે નિદાન તેમજ વધુ સારવાર અર્થે રીફર કરેલ છે.
આરોગ્ય તેમજ પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શ્રી રામ ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં સઘન સર્વે કોંગો રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. ભોરણીયા અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.સી.એલ.વારેવડિયા રુબરુ મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં કોંગો ફીવર હોવાની શક્યતા ઓછી જણાયેલ છે, તેમ છતાં દર્દીને શંકાસ્પદ ગણી સેમ્પલ તેમજ અન્ય તમામ રોગ અટકાયતી કામગીરી કરવામાં આવેલી છે. સમગ્ર કામગીરીનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ.કતીરા દ્વારા પૂરું પાડવામાં આવ્યુ હતુ.