મોરબી: ટંકારા તાલુકાના સજ્જનપર ગામના રહેવાસી સતીષ ઘોડાસરાએ એન્જીનિયરિંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. જોકે તેમણે નોકરી કે વેપારને બદલે ખેતી કરવાનું નક્કી કર્યું હતું. આ શિક્ષિત ખેડૂતે પરંપરાગત ખેતીને બદલે ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેમને ડ્રેગન ફ્રૂટની ખેતી શરુ કરી છે.
મોરબી જિલ્લામાં સૌપ્રથમ સતીષે અનોખું સાહસ કર્યું છે અને બે વર્ષની મહેનતના હવે મીઠા ફળ પણ મળી રહ્યા છે. જે ડ્રેગન ફ્રુટની ખેતી અંગે સતીષ જણાવે છે કે, કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનિકની સલાહ અને માર્ગદર્શન મળતા તેમને ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. ડિસેમ્બર 2018માં વાવેતર શરુ કર્યું હતું. 10 X 6નું વાવેતર કર્યું હતું. જે 12 X 8નું પણ કરી શકાય છે. એક પોલમાં 4 રોપા વાવી શકાય છે. જેમાં 2 વર્ષ બાદ હવે ફળ આવી રહ્યા છે. જેમાં એક પોલે 2 કિલો પાક ઉતરે છે અને 3 વર્ષ પછી 4થી 5 કિલો ફળ મળે તેવી આશા છે.