મોરબી: જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન જાહેર થયાના 10 દિવસ વીતી ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 28 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકીના 27 દર્દીના નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. હજૂ એક રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 1600 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 400 પૈકી 372 મૂળ મોરબીના નાગરિકો હોય જે વિદેશ ગયા હોય અને 28 વિદેશી નાગરિકોનો સમાવેશ થયો છે. આમ ક્વોરેન્ટાઈન કર્યા છે. 1100 લોકોએ 14 દિવસનો પીરિયડ પૂર્ણ કર્યો છે. જ્યારે બાકીના લોકોનો પણ ક્વોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ થતા તેને મુક્ત કરાશે તેમ જણાવ્યું હતું.
મોરબી જિલ્લામાં હજૂ એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ છતાં તંત્ર દ્વારા આગોતરા આયોજન કરાયું છે. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં 100 બેડ, ક્રિષ્ના હોસ્પિટલમાં 35 બેડ અને મયુર હોસ્પિટલમાં 30 બેડ એમ 165 બેડની આઈસોલેશન વોર્ડની તૈયારી કરવામાં આવી છે અને ભવિષ્યમાં પોઝિટિવ કેસ આવે તો તંત્ર પૂરું સજ્જ છે. તે ઉપરાંત જિલ્લામાં ડોર ટૂ ડોર સર્વે કામગીરીમાં હજૂ સુધી શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા નથી.