- મોરબીમાં સેવાસદન ખાતે માથાકૂટ બાદ સાંજે ફરી કોંગ્રેસ નેતાના ઘર પર હુમલો
- 8થી 10 શખ્સોએ લાકડી, છરી અને પાઈપ વડે હુમલો કર્યો
- ભાઈ અને પરિવારના મહિલા સદસ્યોને માર માર્યોં
મોરબી : જિલ્લાના સેવા સદન ખાતે ભાજપના દેવા અવાડીયા અને કોંગ્રેસના કનુ લાડવા વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી, તે સમયે હાજર પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ બાદ સાંજ સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. જે દરમિયાન કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જિલ્લા કલેકટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે તમામ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
કોંગ્રેસ નેતા કનુ લાડવા ઈજાગ્રસ્ત થયા
સમગ્ર ઘટના બાદ કોંગ્રેસ નેતા કનુ લાડવા અને તેના ભાઈ હરદેવ લાડવા સાથે પોતાના નિવાસસ્થાને પરત આવ્યા હતા. જે બાદ અજાણ્યા શખ્સોએ લાકડી, પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. આ સાથે છૂટા પથ્થરના ઘા ઝીંકી દેતા કોંગ્રેસ નેતા કનુ લાડવા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ હુમલો કરનારા અજાણ્યા શખ્સો નાસી ગયાની માહિતી મળી છે
8થી 10 લોકોએ ઘર પર હુમલો કર્યો, મહિલાઓને પણ માર માર્યો : શિલ્પા લાડવા
આ હુમલા અંગે કોંગ્રેસ નેતાના ભાઈના પત્ની શિલ્પાએ જણાવ્યું હતું કે, 8થી 10 શખ્સો લાકડી, છરી અને પાઈપ લઈને તેના ઘરે આવ્યા હતા. જેમને સીધો જ પતિ તેમજ જેઠ પર હુમલો કરી દીધો હતો. માર મારી તેમને નાસી રહ્યાં હતાં. ત્યારે પણ પથ્થર અને ઈંટના ઘા મારી ઈજા પહોંચાડી હતી. હુમલાખોરોએ શિલ્પા તેમજ તેમના સાસુને પણ લાકડીથી ફટકાર્યા હોવાનું જણાવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ કાફલો ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને હુમલાનો ભોગ બનનારા નેતાના નિવેદન નોંધી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે મારામારી