- અંતિમ યાત્રા રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળી હતી
- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વાંકાનેરના રાજવીનું અવસાન થતા વાંકાનેર શોકમય
- રાજવી પરંપરા અનુસાર ડૉ. દિગ્વિજય સિંહની અંતિમ વિધિ કરવામાં આવી
મોરબી: પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અને વાંકાનેરનાં રાજવી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાની અંતિમ યાત્રા રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળી હતી. જેમાં રાજવીઓ અને ક્ષત્રિય સમાજનાના અગ્રણીઓ, શહેરીજનો હાજર રહ્યા હતા. સર અમરસિંહજીની પ્રતિમા (સ્ટેચ્યુ સર્કલ)ની પ્રદક્ષિણા કરાઈ હતી. રાજવી પરંપરા અનુસાર મહારાણા ડૉ. દિગ્વિજય સિંહની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
દિગ્વિજયસિંહ કુશળ નેતા, પ્રજાપ્રેમી અને પ્રકૃતિ પ્રેમી હતા
દિગ્વિજયસિંહનો યુવરાજ તરીકે રાજયાભિષેક બાદ તેઓ વાંકાનેરના મહારાજા બન્યા હતા. દિગ્વિજયસિંહ ઝાલા ધારાસભ્ય તરીકે 1962-67, બીજી ટર્મ 1967-72 સુઘી રહ્યાં અને સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્ય તરીકે 1980-84, બીજી ટર્મ 1984-89 સુધી રહ્યાં હતા. તેઓના માતા રમાકુમારીબા, તેઓના નાના ભાઈ રણજીતસિંહ જેઓ દિલ્હી ખુબ મોટી પદવી પર રહી ચૂક્યા છે. દિગ્વિજયસિંહને ત્રણ બહેનો પદમીનીબા (ભુજ), નીલમબા (ભાવનગર), મોહિનીબા(બીજાવાર, મધ્ય પ્રદેશ) છે. દિગ્વિજયસિંહ ઝાલાનું મોસાળ ડુંગરપુર રાજસ્થાન હતું. તેઓને એક પુત્ર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા જેઓ હાલ BJPમાં સક્રિય છે.