- બારડોલીથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો
- 58 લાખના ઇન્જેક્શન પોલીસે જપ્ત કર્યા
- કુલ 17 લાખથી ઉપરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો
બારડોલી : શનિવારે સવારે મોરબીથી પોલીસે રૂપિયા 58 લાખની કિમતના 1,211 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેકશન સાથે ચાર આરોપીને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા 19 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ આ જથ્થો અમદાવાદના જુહાપુરાના આશીફભાઈ પાસેથી લાવ્યા હોવાની હકીકત સામે આવી હતી. આથી મોરબી LCBની ટીમ નકલી ઇન્જેકશન બબાતે વધુ જાણકારી માટે અમદાવાદ રવાના થઈ હતી. જ્યાં જુહાપુરામાં રેડ કરી સપ્લાયર મહમદ આસીમ ઉર્ફે આસિફ તથા રમીઝ કાદરીવાળાના રહેણાક મકાનમાંથી ભેળસેળ યુક્ત નકલી રેમડેસીવીર એક ઇન્જેકશનની કિંમત 1,170 એમ રૂપિયા 56.16 લાખ તથા ઇન્જેકશન વેચાણના રોકડા રૂ. 17 લાખ 37 હજાર 700 થી વધુનો જથ્થો પકડી પાડ્યો હતો.
મોરબીથી અમદાવાદ અને ત્યાંથી ઓલપાડના પિંજરત સુધી પહોંચી તપાસ
અમદાવાદમાં પૂછપરછ દરમ્યાન આ જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ગામે આવેલા એક ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત શહેર પોલીસના એ.સી.પી. આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા.