મોરબીઃ શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની સમસ્યા છે. મોરબીના ઝુલતા પુલ પર તો રાત્રીના સમયમાં લાઈટો બંધ રાખવામાં આવે છે, પરંતુ દિવસ દરમિયાન લાઈટ ચાલુ જોવા મળી રહી છે. શહેરમાં ઠેર ઠેર ખાડા રાજ હોવાથી અકસ્માતનો ભય રહે છે. સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાને કારણે વાહન ચાલકો ખાડામાં પડે તેનો ભય સતત રહ્યા કરે છે. મોરબી પાલિકા તંત્ર પણ લોકોને રાત્રે નહીં પણ દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઈટની સુવિધા આપી રહ્યું છે.
મોરબીના વાવડી રોડ છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલુ હોય અને હાલમાં એક સાઈડ રોડ ખોદેલી હાલતમાં છે, આ સાથે સ્ટ્રીટ લાઈટ બંધ રાખવામાં આવતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને માટે અકસ્માતનો ભય સતત રહ્યા કરે છે. રોડ પર પાણી ભરેલા ખાડાઓ હોવાને કારણે રાત્રીના સમયે રોડ પર અંધારા સિવાઈ કંઈ જ દેખાતું નથી. જેથી જીવના જોખમે વાહનચાલકો અવરજવાર કરવા મજબુર બન્યા છે. મોરબીના પાડા પુલ અને મયુર બ્રીજ પર તો વરસાદને કારણે લાઈટોના થાંભલા જ તૂટી ગયા છે.
મોરબીમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ પાડા પુલએ સિરામિક તરફ અને મોરબીનાં સામાકાઠે જવાનો મુખ્ય રસ્તો છે. મચ્છુ નદી પર આવેલા આ પુલ પર મોરબીવાસીઓ હરવા ફરવા પણ આવતા હોય છે. પાડા પુલની સ્ટ્રીટ લાઈટ પણ બંધ રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં પણ પાલિકા તંત્રને એવું લાગી રહ્યું છે કે, પુલ પર દિવસ દરમિયાન લાઈટની જરૂર વધારે છે, જેથી રાત્રીના સમયે લાઈટ બંધ રાખવામાં આવે છે અને દિવસ દરમિયાન આ સ્ટ્રીટ લાઈટ ચાલુ જોવા મળે છે.
મોરબીના નવલખી રોડ, વાવડી રોડ, પાડા પુલ, અયોધ્યા પૂરી રોડ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળે છે. મોરબી નગરપાલિકાના રોશની વિભાગના અધિકારી પાટીલે જણાવ્યું હતું કે, પાડા પુલ પર વરસાદને કારણે સ્ટ્રીટ લાઈટના થાંભલા તૂટી ગયા હતા, જેના સમારકામની કામગીરી શરુ કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં પણ મંગળવારથી કામ શરૂ કરવામાં આવશે.
મોરબી નગરપાલિકા દ્વારા દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવામાં આવે છે અને રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ રાખવામાં આવે છે. પાલિકા વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહી છે. જો અકસ્માત થાય તો જવાબદાર કોણ તે એક સળગતો સવાલ છે.