ગુજરાત

gujarat

By

Published : Nov 12, 2019, 10:54 PM IST

ETV Bharat / state

મોરબીમાં ગોરખીજડિયા ગામના ત્રણ વડીલોના જીવતા જગતિયા કરાયા

મોરબીઃ હિંદુ ધર્મમાં વ્યક્તિના જીવનથી લઈને મૃત્યુ સુધીના સોળ સંસ્કાર આપવામાં આવ્યા છે અને અંતિમ સંસ્કારએ સોળમો છેલ્લો સંસ્કાર છે. જેમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેને અંતિમ સંસ્કાર અપાય છે. સાથે જ માતા કે પિતાના મૃત્યુ બાદ તેના સંતાનો ઉત્તરક્રિયા કે દાડો કરતા હોય છે. જોકે મોરબી નજીકના ગામમાં એક પરિવારના ત્રણ સભ્યોએ જીવતા જગતિયા કરવાની ઈચ્છા પુત્રો સમક્ષ વ્યક્ત કરી હતી ને આજ્ઞાકારી પુત્રોએ વડીલોની ઈચ્છા મુજબ જીવતા જગતિયું એટલે કે મૃત્યુ બાદ જે વિધિ કરવાની હોય તેને વડીલોની હયાતીમાં જ કરી હતી. જે પ્રસંગમાં આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

મોરબી

મોરબીના ગોર ખીજડિયા ગામે વસતા ગોરીયા પરિવારના ત્રણ વડીલો ગંગારામભાઈ મનજીભાઈ ગોરીયા (૧૦૦ વર્ષ), જીવરાજભાઈ મનજીભાઈ ગોરીયા (ઉ.વ. ૯૮) અને વજીબેન જીવરાજભાઈ ગોરીયા(ઉ.વ. ૯૭)ના જીવતા જગતિયું કરવાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો. ગોરીયા પરિવારના વડીલ ગંગારામબાપા ૧૦૦ વર્ષના છે, જ્યારે ગંગારામબાપાના ભાઈ જીવરાજબાપાની ૯૮ વર્ષ અને જીવરાજબાપાના પત્ની વજીબેનની ૯૭ વર્ષ છે. આ ત્રણેય વડીલોએ તેમના સંતાનોને તેમની હયાતીમાં જીવતું જગતિયું ઉજવવાની ઈચ્છા જણાવી હતી. જેથી વડીલોની આજ્ઞા માનનાર શ્રવણ સમાન સંતાનોએ તુરંત હા ભણી દીધી અને ગોરીયા પરિવારે આ ત્રણેય વડીલોની જીવતું જગતિયું ધામધૂમથી ઉજવાનું આયોજન કર્યું હતું.

ત્રણેય વડીલોને ફુલહાર કરી બગીમાં બેસાડીની વાજતે ગાજતે ગામમાં ફૂલેકુ કાઢ્યું હતું. જે પ્રસંગમાં સમગ્ર ગામ હોંશભેર જોડાયું હતું અને પરિવારના દીકરા, વહુ તથા દિકરીઓ સહિતના સમગ્ર પરિવારના સભ્યો રાસ ગરબે રમ્યા હતાં. આ સાથે જ આ પ્રસંગે પરિવાર સહીત ગામનું જમણવાર યોજાયું હતું.

ABOUT THE AUTHOR

...view details