મોરબી જિલ્લાના નહેરની આસપાસના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો, અનઅધિકૃત થતી ચોરી અટકાવાશે - sardar sarovar
મોરબી: જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ મોરબી શાખા નહેર મારફતે નહેરની જમણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પીવાનું પાણી પહોચાડવામાં આવે છે. ઘણી જગ્યાએથી ખેડૂતો/કેટલાક ઇસમો દ્વારા શાખા નહેર પર અનઅધિકૃત રીતે મશીન/બકનળી/સબમર્શીબલ પંપ દવારા પાણીના ઉપાડ/ઉપયોગ કરવામાં આવતા હોવાના કારણે પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ મચ્છુ-૨ જળાશય પર પહોંચી શકતો નથી.
આ સંજોગોમાં કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી. જેથી કેતન પી. જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થતી મોરબી શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. જયાં અધિકૃત વ્યકિત સિવાય કોઇ વ્યકિત પ્રવેશી શકશે નહી. તેમજ અનઅધિકૃત રીતે પાણી ખેંચવા માટેના મશીન મુકી શકશે નહી. તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય તેવુ કૃત્ય કરી શકશે નહીં. જેમાં હળવદ તાલુકાના ઢવાણા, સાપકડા, ધનશ્યામપુર, ભલગામડા, દીધડીયા, સુંદરીભવાની, સરમભડા, કડીયાણા, દેવીપુર, ચરાડવા અને મોરબી તાલુકાના આદરણા, નીચીમાંડલ, ઉચીમાંડલ, ઘૂંટુ, લાલપર,જોધપુર નદી ગામોનો સમાવેશ થાય છે.