મોરબીઃ વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. જેને 28 દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે.
વાંકાનેરની અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મળી મુક્તિ - વાંકાનેરમાં કોરોના વાઇરસ
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે મોરબીના વાંકાનેરના રહીશોને કન્ટેનમેન્ટમ ઝોનમાંથી મુક્તિ મળી છે.
વાંકાનેરની અરુણોદય સોસાયટીના જીતુભા ઝાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તેના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કર્યો હતો અને આ વિસ્તારના રહીશોને ગત તારીખ 10થી હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા અને નિયમ મુજબ 28 દિવસ ક્વોરન્ટાઇન પીરીયડ પૂર્ણ કરવાનો હોય છે. જોકે હાલ મોરબી જિલ્લામાં વેપાર માટે છૂટ આપી હોય અને વિસ્તારના કેટલાક રહીશો આર્થિક રીતે નબળા હોય જે રોજગાર માટે જઈ સકતા ના હોય અને રહીશોએ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને મુક્તિ માટેની માંગ કરી હતી. જે અંગે મોહનભાઈ કુંડારિયાએ તંત્રને રજૂઆત કરી હતી.
આ ઉપરાંત સાંસદની રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેરની અરુણોદય સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હોવાથી તંત્રએ લગાવેલા પતરાની આડશ દુર કરી દેવામાં આવી હતી અને રહીશોને 28 દિવસને બદલે 18 દિવસે જ મુક્તિ મળતા હાશકારો અનુભવ્યો હતો.