મોરબીના મકનસર ગામની સીમમાં રાત્રીના સમયે પેપરમિલનો કચરો ફેંકી દઈને સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને પેપરમિલના કચરાના દહનથી આસપાસના ખેતરોના પાકને નુકશાન પહોંચે છે. તેમજ વધતા પ્રદૂષણને કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસરો જોવા મળે છે.
મોરબીમાં પેપરમીલના પ્રદૂષણથી સ્થાનિકોમાં રોષ
મોરબી: પંથકમાં વધતા જતા ઔદ્યોગિક વિકાસ સાથે પ્રદૂષણનો પ્રશ્ન વધતો જોવા મળી રહ્યો છે. અગાઉ કોલગેસના કદડા અને કેમિકલયુક્ત પાણીથી વ્યાપક પ્રદૂષણની ફરિયાદો ઉઠી હતી અને હવે કોલગેસ પ્રતિબંધ લાગ્યો છે. ત્યારે પેપરમિલના કચરા રાત્રીના સળગાવીને પ્રદુષણ ફેલાવાઈ રહ્યું છે.
અગાઉ કોલગેસ પ્રદુષણથી મકનસર, પાનેલી સહિતના વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો પરેશાન હતા. હવે કોલગેસ પ્રતિબંધથી કેમિકલયુક્ત પાણીના નિકાલ અને પ્રદુષણ પર બ્રેક લાગી છે. ત્યારે પેપરમિલના કચરાનો ગમે ત્યાં નિકાલ કરીને સળગાવી દઈને બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.
આ કારણોસર ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે. પ્રદુષણ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે તે સમયે ફરિયાદ મળે ત્યાર પુરતી કાર્યવાહી કરે છે અને પ્રદૂષણને રોકવા માટે પ્રદૂષણ નિયંત્રણ કચેરીને જ રસ ન હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. મકનસર અને પાનેલી ગ્રામજનોને પ્રદૂષણને પગલે ગંભીર અસરો સહન કરવી પડે છે ત્યારે તંત્ર જાગે અને પ્રદુષણ ફેલાવનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.