PGVCL અધિકારીઓ અને કર્મચારીઓએ જીલ્લા અધિક કલેકટર અને જીલ્લા SPને આવેદન પાઠવીને જણાવ્યું છે, કે ગામડાઓ સહિત સમગ્ર ગુજરાતમાં 24 કલાક વીજળી પૂરી પાડવાના PM મોદીના સ્વપ્નને ગુજરાતના વીજ કર્મચારીઓએ પૂર્ણ કરેલ છે. તે ઉપરાંત કુદરતી આફતો સમયે જીવના જોખમે કર્મચારીઓ ફરજ બજાવે છે.
મોરબીમાં PGVCLના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું - મોરબીમાં પીજીવીસીએલના કર્મચારીઓએ આવેદન પાઠવ્યું
મોરબીઃ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીમાં ફરજ બજાવતા 5000થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક લાભો જેવા કે સાતમાં વેતન પંચની અમલવારી સહિતની પડતર માંગણીઓ અંગે લડત ચલાવી રહ્યા છે. જેમાં મોરબી ખાતે જીલ્લા અધિક કલેકટર અને એસપીને આવેદન પાઠવ્યું હતું.

સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ 2016થી ચૂકવી આપવા, GSO 04 મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલિક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી, હક્ક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા સહિતની માંગણીઓ બે વર્ષથી કરવામાં આવતી હોવા છતાં કોઈ નિવેડો નહિ આવતા હવે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં આજે આવેદન પાઠવાયું હતું તેમજ કર્મચારીઓ અને અધિકારીઓએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો આટલેથી ન અટકતા આગામી તારીખ 14ના રોજ તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સામુહિક રજા ઉપર રહી વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.