મોરબીમાં આર્થિક ગુનાખોરી ડામવા સ્પેશ્યલ ઇકોનોમિક સેલ રચવાની માગ
મોરબીઃ જીલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઓદ્યોગિક નગરીમાં આર્થિક ગુનાઓ વધી રહ્યા છે. જેથી આર્થિક ગુનાખોરી અટકાવવા સ્પેશ્યલ ઇકોનોમિક સેલની રચના કરવાની માગ ઉઠી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ આ અંગે રાજ્યના ગૃહપ્રધાનને પત્ર પાઠવ્યો છે. મોરબી જીલ્લો વિકાસશીલ ઓદ્યોગિક ઝોન છે. જ્યાં બે લાખ કરતા વધુ પરપ્રાંતીય શ્રમિકો કાર્યરત છે. ભુતકાળમાં સંખ્યાબંધ ઉદ્યોગો સાથે છેતરપીંડીના બનાવો સામાન્ય બન્યા છે. તેમજ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો ઘરબાર છોડી ગુમસુદા થયા છે. વ્યાજખોરો વીસ ટકાથી ચાલીસ ટકા જેટલું વ્યાજ વસુલે છે અને પીડિત પરિવારોને ધમકી આપે છે. આ બાબતે સ્થાનિક પોલીસ ખાતામાં ફરિયાદ કરતા લોકો ડરે છે. પોલીસ પણ અટપટા સવાલ જવાબ કરી મુશ્કેલી ઉભી કરતા હોય લોકો ફરિયાદ કરતા નથી. આવા સંજોગોમાં એક ખાસ ઇકોનોમિક સેલની રચના કરી PIના નેતૃત્વ હેઠળ કાર્યરત કરવાની માગ કરાઈ છે. જેથી અરજદારો નિર્ભયતા સાથે ફરિયાદ કરી શકે. આવા બનાવોમાં લોકો આપઘાત કરવા પ્રેરાય છે તેને સાંત્વના મળી શકે અને ગુનાખોરી ડામી શકાય જેથી આ મામલે યોગ્ય કરવાની માગ કરવામાં આવી છે.