મોરબી:મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ બાદ હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સરકાર પક્ષે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું. જે અંતર્ગત મોરબી નગરપાલિકાને ગત તારીખ 18ના રોજ નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેવી નોટીસ આપી તારીખ 25 સુધીમાં તમામ સદસ્યોનો લેખિત જવાબ માંગતા આજે મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા મળી હતી.
નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા મળી હતી ખાસ સાધારણ સભા:અગાઉ કોરોના મહામારી અને ચુંટણી તૈયારીના બહાના બનાવીને નાગરિકોના પ્રશ્ને સાધારણ સભા નહિ બોલાવનાર પાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યોએ પોતાના પગ તળે રેલો આવ્યો છે. આજે ખાસ સાધારણ સભા બોલાવી હતી જેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના 39 સદસ્યો હાજર રહ્યા હતા તો 13 સદસ્યો ગેરહાજર રહ્યા હતા. બોર્ડની શરૂઆત ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી કરવામાં આવી હતી અને બાદમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
જવાબ આપવાને બદલે ઉંધા કાન પકડાવવા પ્રયાસ:સરકાર તરફથી મળેલ નોટીસનો પાલિકાના ચૂંટાયેલા ૫૨ સદસ્યોએ જવાબ રજુ કરવાનો હતો. જોકે પાલિકા પાસે જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા ના હોવાનું બહાનું ધરી દેવામા આવ્યું છે. જે ઠરાવ કરવામા આવ્યો છે તેમાં જણાવ્યું છે કે સરકાર તરફથી મળેલી નોટીસમાં સરકાર તરફથી નગરપાલિકાની જવાબદારી નક્કી કરવામાં જે બાબતો રજુ થયેલ છે તેનું રેકર્ડ સરકારની નિયુક્ત તપાસ સમિતિએ જે તે સમયે હસ્તગત કરેલ છે અને સરકારની નોટીસમાં પણ નોટીસના મુદાઓ પરત્વેનું કોઈ સાહિત્ય કે આધારપત્રો નોટીસ સાથે આપવામાં આવેલ ના હોય આ બાબતે સરકાર દ્વારા આપવામાં આવેલ નોટીસના જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે અને સરકારમાંથી જરૂરી આધારપત્રો/સાધનિક કાગળો મળ્યેથી આ બાબતે જરૂરી જવાબ સરકારને રજુ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. નગરપાલિકાનો જવાબ રજુ થાય ત્યાં સુધી આ અંગે કોઈ નિર્ણય ન્યાયના હિતમાં ના કરવા સરકારમાં વિનંતી કરવામાં આવી છે.