મોરબીઃ મોરબીના ધરમપુર ગામે ગૌચરમાં દબાણ મામલે મળેલી ફરિયાદ બાદ તપાસ ચલાવીને દબાણો મામલે કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ડીડીઓ દ્વારા સરપંચ અને 7 સભ્યોને હોદા પરથી દુર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ભરતભાઈ માવજીભાઈ માકસણાએ રજૂઆત કરી હતી કે, ધરમપુર ગ્રામ પંચાયતમાં ગૌચર જમીનમાં દબાણ હાવાને કારણે ટીડીઓએ તપાસ કરતા દબાણો માલૂમ પડ્યા હતા અને ગુજરાત પંચાયત ધારા 1993ની કલમ 105 મુજબ જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ પર નડતર અને દબાણ દુર કરવાના અધિકાર ગ્રામ પંચાયતને આપેલા હતા.
તેમ છતાં ધરમપુર ગ્રામ પંચાયતની સામાન્ય સભાના 14 માર્ચ 2017નો ઠરાવ નં 4 તેમજ તારીખ 25 એપ્રિલ 2017ના ઠરાવ નંબર 3થી ગૌચર જમીનમાં કરેલા દબાણ દુર કરવા બાબતે અસમર્થ હોવાનો ઠરાવ કરેલો હતો. જેને ધ્યાને લઈને ગુજરાત પંચાયત અધિનિયમ1993 ની કલમ 57 (1) અન્વયે કાર્યવાહી કરી ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ તથા 7 સભ્યોને હોદા પરથી દુર કરવામાં આવ્યા છે.