- વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત
- કોવિડ રૂમમાં દર્દીઓ સાથે કરી વાતચીત
- સિવિલમાં ડોક્ટર અને સ્ટાફના અભાવને લઈને સરકાર પર કર્યા પ્રહારો
- મોરબીમાં ઓક્સીજન પૂરો પાડનાર સામાજિક આગેવાનોને બિરદાવ્યાં
મોરબીઃ ગુજરાત કોંગ્રેસના અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ સ્થિત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સમયે મીડિયા સાથે વાત કરતા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરે ગુજરાતના હેલ્થ ઈંન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી નાંખ્યું છે. આરોગ્ય સુવિધાઓના અભાવે ગુજરાતના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતું ચાલ્યું છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આશરે 175 બેડની વ્યવસ્થા જ થઈ શકી છે.ગામડાઓમાં આરોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો શહેરોની હોસ્પિટલમાં આવવા માટે મજબૂર બન્યાં હતાં. દરેક જગ્યાએ સારવાર માટે, ઓક્સિજન માટે, દવા-ઇન્જેક્શનો માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર મુઠ્ઠીભર ધારાસભ્યોની સંખ્યા વધારવામાં વ્યસ્ત રહી અને પરિણામે આરોગ્ય ક્ષેત્રમાં વ્યાપેલી અરાજકતાની કિંમત લાખો નાગરિકોએ ચૂકવવી પડી, છે. મોરબી સિવિલમાં સિટી સ્કેન મશીન હોવા છતાં નિષ્ણાતોના અભાવે લોકોને કાં તો ખાનગી હોસ્પિટલમા અથવા તો બીજા શહેરો તરફ દોટ લગાવવી પડે આવી વિપરીત પરિસ્થિતિમાં મોરબી જિલ્લામાં સેવાભાવી લોકો અને સામાજિક સંસ્થાઓએ જે તમામ સેવાઓ કરી એમને હું બિરદાવું છું. રાજ્ય સરકારે તો મોતના આંકડા છુપાવવા માટે જ પોતાની શક્તિ વેડફી હોય એવું છેલ્લા એક માસના મારા તમામ જિલ્લાઓના પ્રવાસ દરમિયાન મેં નોંધ્યું છે.