- મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો
- મધરાત્રિએ 10 રુપિયાનો કમરતોડ ભાવવધારો ઝીંકાયો
- ગુજરાત ગેસની આપખુદશાહી સામે ઉદ્યોગપતિઓમાં રોષ
મોરબીઃ ગુજરાત ગેસ દ્વારા ગત રાત્રીથી અમલમાં આવે તેમ 10 રુપિયાનો ભાવવધારો કરવામાં આ્વ્યો છે. અગાઉ જે ગેસનો ભાવ 37.36 રૂ. હતો તેમાં ટેક્સ સહિત રૂ 10.75 નો ભાવવધારો ઝીકી દેવાયો છે. જેથી હવે નવો ભાવ 47.51રૂ એમજીઓ વગર ચૂકવવો પડશે અને એમજીઓ નહીં કરનાર ફેક્ટરીને વધુ 3 રૂ ગેસ મોંઘો પડશે જેથી ઉદ્યોગ પર મોટું ભારણ આવી ગયું છે. અગાઉ કોરોના મહામારીની મંદીમાંથી માંડ બહાર આવેલ ઉદ્યોગને મરણતોલ ફટકા સમાન કમરતોડ ભાવવધારો રાતોરાત ઝીકી દેવામાં આવ્યો છે જેથી ઉદ્યોગપતિઓમાં રોષ ભભૂકી રહ્યો છે.
ગેસના ભાવમાં રાતોરાત 28 ટકાનો વધારો કરી દેવાયો
સિરામિક એસોસિએશન પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગેસ દ્વારા આ ભાવવધારો રાતોરાત ઝીકી દેવામાં આવ્યો છે. ત્રણ માસના એમજીઓ કરેલ ફેક્ટરીને 47.01 જયારે 1 મહિનાના એમજીઓવાળી ફેક્ટરીને ગેસ રૂ 47.51 પ્રતિ ક્યુબીક મીટર ભાવે મળશે આમ રાતોરાત 28 ટકા જેટલો વધારો ઝીકી દેવાતા ઉદ્યોગને ફટકો પડ્યો છે.
પ્રતિદિન 70 લાખ ક્યુબીક મીટરનો ઉદ્યોગમાં વપરાશ
એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા પ્રતિદિન 70 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ કરવામાં આવી રહ્યો છે જેમાં ભાવવધારા સાથે 7 કરોડનું ભારણ વધી ગયું છે. જેથી એક્સપોર્ટ પર પણ અસર થ.શે અગાઉ જે ઓર્ડર લીધેલ હોય તે ભાવમાં માલ તૈયાર કરીને એક્સપોર્ટ કરવામાં આવે તો યુનિટને ખોટ સહન કરવી પડશે. ગેસ કંપની ભાવ વધારા પૂર્વે 15 દિવસ કે એક માસનો સમય આપે તેવી માગ અગાઉ પણ કરી હતી.