- 2014 પહેલા આવેલા શરણાર્થીઓ સ્પેશિયલ ગેજેટમાં લઇ શકાશે નાગરિકતા
- કલેક્ટરને સત્તા સોપવામાં આવતા નાગરિકતા માટે સરળતા રહેશે
- ઓનલાઈન અરજી કરીને શરણાર્થી નાગરિકતા મેળવી શકશે
મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ દેશોમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે જિલ્લા કલેક્ટરને સત્તા સોપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા જિલ્લા કલેક્ટરને સત્તા સોપવામાં આવી છે. ત્યારે, મોરબીમાં વર્ષ 2007થી આવીને વસેલા અને ભારત દેશની નાગરિકતા મેળવનાર લાખુંસિંગ સોઢાએ સરકારના આ નિર્ણયને વખાણ્યો હતો આ સાથે તેઓએ દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, અનેક દેશોમાંથી આવેલા હિંદુ સહિતના શરણાર્થીઓને અગાઉ નાગરિકતા મેળવવા લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને ધક્કા ખાઈને તેઓ પરેશાન થતા હતા. પરંતુ, હવે જિલ્લા કલેકટરને સત્તા સોપવામાં આવી છે. આ સાથે, ઓનલાઈન અરજી મારફત નાગરિકતા મેળવવા માટેનો સરળ રસ્તો તૈયાર કર્યો તે આવકારદાયક છે.
મોરબીમાં વસતા 1200થી વધુ શરણાર્થીઓને મળશે ભારતની નાગરિકતા આ પણ વાંચો:રાજકોટમાં વસતા 250 પાકિસ્તાની પરિવારને હવે અહીંથી જ મળશે નાગરિકતા
1200 જેટલા શરણાર્થીઓ મોરબીમાં કરા છે વસવાટ
મોરબીના અન્ય શરણાર્થી જણાવ્યું હતુ કે, તેઓ પરિવાર સાથે પાકિસ્તાનથી અહી આવીને વસ્યા છે. જેને નાગરિકતા મેળવવાની બાકી છે. શરણાર્થીઓ માટે સરકારે મહત્વનો કાયદો પસાર કરીને હવે તેની અમલવારી પણ શરુ કરી છે. જેથી, તેના જેવા અનેક શરણાર્થીઓને રાહત મળી છે. મોરબીમાં વસતા 1200થી વધુ શરણાર્થીઓમાં આજે દિવાળી જેવો ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે, મોરબી જિલ્લા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, અગાઉ કલેક્ટર કચેરીમાં અરજી કર્યા બાદ તે રાજ્ય અને બાદમાં કેન્દ્ર સરકાર પાસે જતી હતી. જેથી, મંજુરી મેળવવામાં વિલંબ થતો હતો. પરંતુ, હવે ભારત સરકારે જિલ્લા કલેક્ટરને સીધી સત્તા સોપી છે. જેથી, ઓનલાઈન અરજી કરીને શરણાર્થી નાગરિકતા મેળવી શકશે જે ખરેખર રાહત સમાન બની રહેશે. કાયદો લાગુ થયા પૂર્વે 6 અરજીઓ આવેલી હતી. તે રાજ્ય સરકારને સુપરત કરી છે હવે નવી અરજી આવે તે અંગે જિલ્લા કલેકટર નિર્ણય લેશે.
આ પણ વાંચો:કેન્દ્ર સરકારના CAA કાયદા હેઠળ શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળશે
શરણાર્થીઓને ઓનલાઈન અરજી કરવી સરળ બની
અનેક દેશોમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને પગલે હિંદુ, શીખ સહિતના શરણાર્થીઓ ભારતમાં આવીને વસ્યા છે. જોકે, તેમને નાગરિકતા મેળવવા માટે અગાઉ લોઢાના ચણા ચાવવા સમાન લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. જેનો સરળ ઉકેલ સરકારે લાવીને સીધી સત્તા કલેક્ટરને સોપી છે. જેથી, હવે ઓનલાઈન અરજી કરીને નાગરિકતા મેળવવી સરળ બની રહેશે.