હળવદના શક્તિનગર ગામમાં છેલ્લા બે માસથી પાણીના ધાંધિયા ચાલી રહ્યાં છે. જેથી વિફરેલી મહિલાઓએ બુધવારના રોજ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓને પીવાના પાણી માટે બે ત્રણ કિલોમીટર સુધી રઝળપાટ કરવી પડતી હોય છે. જેનાથી ત્રાસી ગયેલી મહિલાઓએ આજે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો.
મોરબીના શક્તિનગર ગામે મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ
મોરબી: જિલ્લામાં ચોમાસાની ઋતુ છતાં હજુ સારો વરસાદ વરસ્યો નથી. જેને પગલે ઠેર-ઠેર પાણીની પોકાર જોવા મળી રહી છે. ત્યારે બુધવારના રોજ હળવદના શક્તિનગરની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની હતી. તો આ વિરોધ પ્રદર્શનમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.
halvad
તો આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 માસથી પાણીના ધાંધિયા છે. તેમજ શક્તિનગર ગામે બોરનું પાણી પણ પીવાલાયક નથી. બોરનું પાણી દુષિત હોય છે. જેથી ગામના 35 લોકોને પથરીનો રોગ થયો છે. આ મામલે જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરવા છતાં પાણી મામલે તંત્ર ગંભીરતા દાખવતું નથી. પાણી વિના મહિલાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તો બીજી તરફ શક્તિનગર નજીક લાખો લીટર નર્મદા પાણીનો વેડફાટ થાય છે. જેથી ગામમાં પાણી પીવા માટે મળતું નથી તેવી હૈયા વરાળ પણ ઠાલવી હતી.