મોરબીઃ ઘણીવાર "દીવા નીચે અંધારુ" કહેવત સાર્થક કરતી ઘટનાઓ ઘટે છે. આવી જ એક ઘટના મોરબીના વાંકાનેરમાં બની છે. વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક જ ગેરકાયદેસર ટોલનાકુ ધમધમે છે. વાહન ચાલકો પણ ઓછા નાણાં ચૂકવીને આ ટોલનાકાનો ઉપયોગ કરી બાયપાસ થઈ જાય છે. સ્ટ્રેન્જ બટ ટ્રુ તો એ છે કે વઘાસિયા ટોલ પ્લાઝાની અત્યંત નજીક આ ગેરકાયદેસર વેપાર ફુલ્યો ફાલ્યો છે, તેમ છતા શા માટે કોઈ કાયદાકીય પગલા લેવાયા નથી ?
દોઢ વર્ષથી કાળો વેપારઃ વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાની નજીક એક ગેરકાયદેસર ટોલનાકુ બનાવી દેવામાં આવ્યું છે. એક બંધ પડેલ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી વાહન ચાલકો પાસેથી નાણાં ઉઘરાવી તેમને ટોલ પ્લાઝાની બાયપાસ કરી દેવામાં આવી રહ્યા છે. ટોલ પ્લાઝા પાસેની વ્હાઈટ હાઉસ નામક બંધ પડેલ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક નકલી ટોલનાકુ ઊભું કરી દેવાયું છે. આ ટોલનાકા પરના માણસો વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર અને ઓછા નાણાં ઉઘરાવી વાહન પસાર થવા દે છે. વાહન ચાલકોને પણ ઓછી ટોલ ફી ભરવી પડતા ગેલમાં છે. તેઓ આ ગેરકાયદેસર ટોલનાકાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. આ ગેરકાયદેસર ટોલનાકુ અસામાજિક અને માથાભારે તત્વો દ્વારા ચલાવવામાં આવતું હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. આ તત્વો રોજના હજારો કમાઈ લે છે જ્યારે વઘાસિયા ટોલ પ્લાઝાને રોજના હજારોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.