મોરબીમાં ડ્રગના દાનવનો પગપેસારો મોરબી :રાજ્યભરમાં યુવાનોમાં નશાનું દુષણ વધી રહ્યું છે. મોરબીમાં નશીલા પદાર્થ ગાંજાના વેચાણની સાથે સાથે સમયાંતરે મેફેડ્રોન ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે. ત્યારે મોરબી SOG ટીમે મોરબી તાલુકાના લાલપર ગામેથી નશાનો કાળો કારોબાર કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાની શખ્સ 1.94 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયો છે. ઉપરાંત આ મામલે એક સ્થાનિક તેમજ રાજસ્થાનના દાઉદ ઇબ્રાહિમ નામના શખ્સની સંડોવણીને ખુલ્લી પાડી છે.
નશાનો કારોબાર : આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના લાલપર ગામે મૂળ રાજસ્થાનનો વતની શખ્સ યુવાધનને નશાની લતે ચડાવવા મેફેડ્રોન નામના ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે મોરબી SOG ટીમે દરોડો પાડી આરોપી હકીમ રોડાજી આંકી નામના શખ્સને ઝડપી લીધો હતો.
2 લાખનું ડ્રગ : આ શખ્સના કબ્જામાંથી 19.4 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂપિયા 1.94 લાખ, રૂપિયા 85,000 રોકડા, એક વજન કાંટો તેમજ રૂ.500 નો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. આમ કુલ રૂપિયા 2.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં મેફેડ્રોન ડ્રગ્સના આ ગોરખધંધામાં રાજસ્થાનના દાઉદ ઇબ્રાહિમ બેલીમ તેમજ મોરબી ત્રાજપરના જીતેન્દ્ર રામજી પ્રજાપતિની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
ડ્રગનું રાજસ્થાન કનેક્શન : આરોપીએ આ અંગે કબુલાત કરતા SOG ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. તો આરોપી હકીમ ત્યાં છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતો હતો. તેમજ આ ડ્રગ્સનો જથ્થો હકીમે તેના સાઢુભાઈ દાઉદ ઈબ્રાહીમ બેલીમ પાસેથી લીધો હતો. આ જથ્થો વેચવા માટે ભાગીદાર જીતેન્દ્ર રામજી પ્રજાપતિ ગ્રાહક શોધી આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
- Cannabis seized from Morbi: વાંકાનેર નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
- Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy