- મોરબીમાં કોલસાની પેઢી દ્વારા કરવામાં આવી ટેક્સ ચોરી
- 4 વેપારીએ રુપિયા 130 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી હોવાની ફરિયાદ
- બી ડિવિઝનમાં સરકાર સાથે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઈ
મોરબીઃ રુપાલા-અમૃતિયાના સગાની સંડોવણી? 4 કોલસા વેપારીઓએ 130 કરોડની ટેક્સ ચોરી કર્યાની ફરિયાદ - Morbi
મોરબીમાં કોલસાનો વેપાર કરનાર પેઢી દ્વારા 130 કરોડથી વધુનો કોલસાનો વેપાર કર્યા છતાં સરકારને ભરવાનો થતો સીએસટી અને વેટ વેરો સાત વર્ષ સુધી ન ભર્યો હોવાની ફરિયાદ થઈ છે. કુલ રુપિયા 130 કરોડથી વધુનો ટેક્સચોરીનો ધુંબો મારી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.
મોરબીઃ મોરબીમાં કોલસાની પેઢીનું સંચાલન કરનાર ચાર વેપારી દ્વારા 130 કરોડથી વધુનો ટેક્સ ન ભરી સરકાર સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદી પૂજાબેન ચંદુલાલ વશનાનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ ઇસુ વી એસ નારંગ રહે- હૈદરાબાદ, ચંદુલાલ હરજીભાઈ પટેલ રહે- હૈદરાબાદ, રુદ્રરાજ શ્રીનિવાસ શાહ રહે- હૈદરાબાદ અને યુનુશ જીઆઉલા શેરીફ રહે- બેંગ્લોર કર્ણાટક એમ ચાર ઇસમોએ વેટ કાયદાના તેમ જ કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરાવી ક્યોરી ઓરેમીન લિમિટેડ નામની કોલસા પેઢી શરુ કરી હતી અને કોલસાના ખરીદવેચાણનો વ્યવાસાય કરતાં હતાં. જેને વર્ષ 2009-10થી વર્ષ 2016-17 સુધી કોલસાના ખરીદવેચાણ છતાં સરકારને ભરવાનો થતો સીએસટી અને વેટ વેરો કુલ રૂપિયા 1,30,38,78,984નો સીએસટી અને વેટ સરકારમાં નહીં ભરીને વેરો ટાળવા માટે પ્રયત્ન કરી સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા છે. બી ડીવીઝન પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે .
- આરોપી ચંદુલાલ પરસોતમ રૂપાલાના વેવાઈ હોવાની માહિતી સૂત્રોમાંથી મળી
આરોપી ચંદુલાલ પટેલ કેન્દ્રીયપ્રધાન પરસોતમ રૂપાલા અને મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના વેવાઈ થતાં હોવાની માહિતી સૂત્રોમાંથી મળી છે. પરંતુ હાલ પોલીસ આ અંગે કઈ કહેવા તૈયાર નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.