મોરબીમાં સરકારની સહાય અને કલ્યાણકારી યોજનાની માહિતી કેદીઓને આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાચા તેમજ પાકા કામના કેદીઓને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમમાં બાળ અધિકારી શૈલેષ અંબારીયાએ સરકારની બાળકો તેમજ મહિલાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અંગે માહિતી આપી હતી.
મોરબી સબજેલના કેદીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરાયા - latest news of morbi
મોરબીઃ તાલુકામાં આવેલી સબ જેલના જેલર એલ.વી. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં કેદીઓને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારીયાએ સરકારની બાળકો તેમજ મહિલાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમજ યોજનાઓનો વધુને વધુ લાભ લેવા માટે તમામ પ્રકારની સહાયતા આપવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયાએ સમાજ સુરક્ષા કચેરી અંતર્ગત આવતી તમામ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. કેદીઓએ પણ પોતાના પરિવારના બાળકો અને મહિલાઓને મળતી સહાય અંગે પ્રશ્નો પૂછીને તે અંગેની જાણકારી મેળવી હતી.
આ ઉપરાંત જિલ્લા માહિતી અધિકારી ઘનશ્યામ પેડવાએ રાજ્ય સરકાર દ્વારા બાળકના જન્મથી લઇને મૃત્યુ સુધી વ્યક્તિના જીવનમાં તમામ તબક્કે સરકાર કોઇને કોઇ સ્વરૂપે વિવિધ સહાય યોજનાઓ થકી મદદરૂપ થાય છે. તે અંગેની માહિતી આપી કેદીઓને પણ પોતાના પરિવાર અને બાળકોની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. સાથે જ માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી વિવિધ યોજનાકીય માહિતી પુસ્તીકાઓનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સબજેલના જેલર એલ.વી. પરમારે આગામી સમયમાં કેદીઓ માટે જેલમાં મુખ્યમંત્રી મા અમૃતમ યોજનાનો લાભ લઇ શકે તે હેતુથી વિશેષ કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી.