માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી મોરબીઃ નગર પાલિકામાં કુલ 350 સફાઈ કર્મચારીઓ રોજમદાર તરીકે ફરજ બજાવે છે. આ સફાઈ કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માંગણી કરી છે. તેમણે પોતાની માંગણી પૂરી કરવા માટે હડતાળનો સહારો લીધો છે. જો માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. સફાઈ કર્મચારીઓની હડતાળને અખિલ ભારતીય મજદૂર સંઘે સપોર્ટ કર્યો છે.
કર્મચારીઓની માંગણીઃ 350 સફાઈ કર્મચારીઓ રોજમદાર તરીકે કાર્ય કરે છે અને વેતન પામે છે. આ સફાઈ કર્મચારીઓએ પોતાને કાયમી કરવા માટે માંગણી કરી છે અને હડતાળ પર ઉતરી ગયા છે. આ ઉપરાંત બીજી માંગણી સફાઈ કર્મચારીઓને ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગના નોટિફિકેશન મુજબ લઘુત્તમ વેતન તેમજ ખાસ ભથ્થું ચૂકવવામાં આવે. ત્રીજી માંગણી નોટિસ વિના છુટા કરેલા કર્મચારીઓને ફરજ પર પરત બોલાવવામાં આવે અને ચોથી માંગણી કર્મચારીઓને પે સ્લિપ, હાજરીકાર્ડ, આઈકાર્ડ ફરજિયાત આપવામાં આવે.
નગર પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ ઘણા સમયથી શહેરને સ્વચ્છ રાખવા કામગીરી કરી રહ્યા છે. કોરોના મહામારીમાં પણ અમે અમારી ફરજ નિભાવી હતી. અગાઉ અપાયેલ પત્રનો કોઈ પ્રતિભાવ મળ્યો નથી તેમજ સફાઈ કર્મચારીઓને પોતાના હક અને અધિકારથી વંચિત રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. જો સફાઈ કર્મચારીઓના પ્રાણપ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહિ આવે તો યુનિયન દ્વારા આંદોલન યથાવત રહેશે...હરિશ ચૌહાણ(પ્રમુખ, અખિલ ભારતીય મજદૂર સંઘ, મોરબી)
કર્મચારીઓની પે સ્લિપ અને આઈકાર્ડ આપવાની માંગ તાત્કાલિક સ્વીકારવામાં આવી છે. તેમજ અન્ય માંગો રાજ્ય સરકાર હસ્તકના વિષયની હોવાથી સરકાર સમક્ષ તેમને રજૂ કરવામાં આવશે...હર્ષદીપ આચાર્ય (ઈન્ચાર્જ ચિફ ઓફિસ, મોરબી નગર પાલિકા)
- MLA Kanti Amritia : પાલિકાના સ્વભંડોળના હિસાબની નિષ્પક્ષ તપાસની માંગણી કરતા ધારાસભ્ય કાંતિ અમૃતિયા
- Morbi Bridge Collapse: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી - SIT