મોરબીઃ ખાનપર ગામે એક પરિવાર ખેતરમાં મજૂરી કામ કરતો હતો. જેમાં પતિ, પત્ની અને બે બાળકો હતા. પતિએ રાત્રે પત્નીની કરપીણ હત્યા કરી દીધી હતી. પતિ મૃતદેહ લઈ વતન છોટાઉદેપુર પહોંચી ગયો હતો. છોટાઉદેપુરના ઝોઝ પોલીસે 0 નંબરની ફરિયાદ નોંધીને સમગ્ર કેસ મોરબી પોલીસને સોંપ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ છોટાઉદેપુરના નવા ગામના રહેવાસી અને મોરબીમાં ખાનપર ગામે રાજેશ ડાવેરાના ખેતરમાં ખેતમજૂરી કરતા પરિવારમાં અજબ કિસ્સો બન્યો છે. આ ખેતરમાં રેમલાભાઈ નાયકા પોતાની પત્ની જીણકીબેન નાયકા, પોતાના પુત્ર હસમુખ નાયકા, પુત્રવધુ નીતા નાયકા, બીજા પુત્ર સચિન નાયકા સાથે રહેતા હતા. બનાવની રાત્રે રેમલાભાઈ અને તેમના પત્ની જીણકીબેન ઝુંપડીમાં અને બહારના ભાગે બે પુત્રો અને પુત્રવધુ ખુલ્લામાં સુતા હતા. મોડી રાત્રે કોઈ બાબતે બોલાચાલી થઈ. જેમાં આવેશમાં આવી જઈ રેમલાભાઈએ પત્ની જીણકીબેન પર દાતરડાથી માથાના ભાગે હુમલો કરી દીધો. જીણકીબેન આ જીવલેણ હુમલાથી જમીન પર પડી ગયા. અવાજ થતા મોટો પુત્ર હસમુખ દોડીને અંદર આવ્યો. તેણે જોયું તો પિતાના હાથમાં લોહીથી ખરડાયેલ દાતરડું હતું અને લોહીલુહાણ અવસ્થામાં માતા જમીન પર પડી હતી. હસમુખે માતાની તપાસ કરતા તે મૃત્યુ પામી હતી. ત્યારબાદ ખેતરના માલિકને જાણ કરવામાં આવી. ખેતરના માલીકે એક ગાડી ભાડે કરી મૃતદેહની સાથે સમગ્ર પરિવારને વતન છોટાઉદેપુર રવાના કરી દીધો. જો કે પરિવાર મૃતદેહને લઈને છોટાઉદેપુરના ઝોઝ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઝોઝ પોલીસે હત્યારાના પુત્ર હસમુખની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ઝોઝ પોલીસે મૃતદેહ અને હત્યારાને મોરબી પોલીસને હવાલે કર્યા હતા.