2 ટકા TDS કપાતના વિરોધમાં મોરબી જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધ
મોરબી: સરકાર દ્વારા એક કરોડથી વધુની રોકડ પર 2 ટકા TDS કપાતના નિયમનો માર્કેટિંગ યાર્ડના વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ દ્વારા હડતાળ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ પણ હડતાળમાં જોડાયું છે.
સરકારના આકરા નિયમ અંગે મોરબી માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, એક કરોડથી વધુની રોકડ પર 2 ટકા TDS કપાતના નિયમનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આકરા નિયમોમાંથી વેપારીને રાહત મળે તેવી માંગ કરી રહ્યા છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના અન્ય વેપારી જણાવે છે કે, આકરા નિયમોને પગલે વેપારમાં પરેશાનીનો સામનો કરવો પડે છે અને સરકાર વેપારીઓને રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે. મોરબી જિલ્લાના ત્રણ માર્કેટિંગ યાર્ડ પણ હડતાળમાં જોડાયા હતા અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કામકાજથી અળગા રહ્યા હતા.